નવી દિલ્હી, 24 માર્ચ 2026: ભારતમાં વજન ઘટાડવાની લોકપ્રિય દવાઓ (GLP-1) ના અનધિકૃત વેચાણ અને જોખમી પ્રમોશનને રોકવા માટે ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં ભારતીય બજારમાં આ દવાઓના અનેક જેનરિક વેરિઅન્ટ્સ ઉપલબ્ધ થતા ફાર્મસીઓ, ઓનલાઈન પ્લેટફોર્મ અને વેલનેસ ક્લિનિક્સ દ્વારા તેના બેફામ વેચાણ અંગેની ચિંતાઓ વધી છે, જેને પગલે નિયમનકારી તંત્રે દેખરેખ તેજ કરી છે.
છેલ્લા કેટલાક સપ્તાહોમાં અમલીકરણ પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દેશના વિવિધ ભાગોમાં કુલ 49 સંસ્થાઓ પર ઓડિટ અને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઈન ફાર્મસી વેરહાઉસ, દવાની જથ્થાબંધ પેઢીઓ અને રિટેલર્સ તથા વેલનેસ અને સ્લિમિંગ (વજન ઘટાડવાના) ક્લિનિક્સનો સમાવેશ થાય છે. આ તપાસ દરમિયાન અનધિકૃત વેચાણ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાનું વિતરણ અને ગેરમાર્ગે દોરતી માર્કેટિંગ પદ્ધતિઓ ઝડપાઈ છે. કસૂરવાર સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કડક પગલાં લેવાની તૈયારી ચાલી રહી છે.
10 માર્ચ, 2026 ના રોજ તમામ ઉત્પાદકો માટે એક વ્યાપક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ એડવાઈઝરી મુજબ, ‘સરોગેટ એડવર્ટાઇઝિંગ’ (પરોક્ષ જાહેરાત) અને કોઈપણ પ્રકારના એવા પ્રમોશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે અથવા મેડિકલ સલાહ વિના દવાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરે.
નિયામક તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે દર્દીની સુરક્ષા સર્વોપરી છે. યોગ્ય તબીબી દેખરેખ વિના વજન ઘટાડવાની દવાઓનો ઉપયોગ ગંભીર આડઅસર અને સ્વાસ્થ્ય જોખમો ઊભા કરી શકે છે. ભારતમાં આ દવાને માત્ર એન્ડોક્રિનોલોજિસ્ટસ, ઈન્ટરનલ મેડિસિન અને કાર્ડિયોલોજિસ્ટસના નિષ્ણાતોના પ્રિસ્ક્રિપ્શન પર જ મંજૂરી આપવામાં આવી છે:
આગામી સપ્તાહોમાં આ નિયમનકારી દેખરેખ હજુ વધુ કડક બનાવવામાં આવશે. નિયમોનું પાલન ન કરનાર એકમો સામે લાઇસન્સ રદ કરવા, ભારે દંડ ફટકારવા અને પ્રવર્તમાન કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. નાગરિકોને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર માન્ય તબીબી માર્ગદર્શન હેઠળ જ આવી દવાઓનો ઉપયોગ કરે.
(PHOTO-FILE)


