
ભાવનગરઃ જિલ્લાના ઘોઘામાં દરિયાના મોજા ઉછલીને ગામમાં પ્રવેશી જતાં બજારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. એક જમાનામાં અંગ્રેજોએ ઘોઘામાં દરિયાના પાણી ન ઘૂંસે તે માટે પ્રોટેક્શન વોલ બનાવી આપી હતી. ત્યારબાદ અંગ્રજોના કાળ સમયની પ્રોટેક્શન વોલ જર્જરિત થઈને પડી ગઈ હતી. હવે ભરતી હોય ત્યારે દરિયાના પાણી ઘોઘામાં નદીઓની જેમ વહેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી આવી રહેલી ભારે ભરતીને પગલે સમુદ્રના પાણી સીમા ઓળંગી ગામમાં ફરી વળ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી સમુદ્રના પાણીથી ઘોઘા ગામનું રક્ષણ કરતી અંગ્રેજ કાળની દીવાલ જર્જરિત થઈને તૂટી પડતા વાવાઝોડા તથા ભારે વરસાદ દરમિયાન સમુદ્રના પાણી હદ પાર કરીને ગામમાં ફરી વળે છે. આ સંદર્ભે ઘોઘા ગ્રામજનો દ્વારા છેક મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી સમસ્યાનું સમાધાન કે દીવાલ નવી બનાવવા માટે કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં લોકોને ચોમાસાના દિવસોમાં તથા ચક્રવાત જેવા સમયે જીવ પડીકે બંધાઈને રહે છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું ચરમસીમાએ જામ્યું છે અને જુલાઈ માસમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા વારંવાર ચેતવણીઓ ઉચ્ચારવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઘોઘા ગામે આવેલા સમુદ્રમાં હેવી કરંટ જોવા મળી રહ્યો છે. એ સાથે ઉંચી ભરતી સાથે મોટા મોજાં પણ ઉછળી રહ્યા છે. લોકોનાં મનમાં ભય હતો જ કે સમુદ્રનાં પાણી સીમા ઓળંગી ગામમાં ફરી વળશે, લોકોનો આ છુપો ડર વાસ્તવિક બન્યો છે. ગઈકાલે બપોર બાદ ભરતીની શરૂઆત થતાંની સાથે જ મોટા મોંજા ઉછળ્યા હતાં અને હેવી કરંટ ને પગલે પાણી તટથી આગળ વધીને ગામ ફરતાં ફરી વળતા ઘોઘાની બજારોમાં વિના વરસાદે ગોઠણબુડ પાણી ભરાયા હતા. જેને પગલે લોકોમાં ભય સાથે દહેશતનો માહોલ સર્જાયો છે.