
9 ઓગસ્ટ,દિલ્હી:વિશ્વમાં કોરોના વાયરસની એન્ટ્રી થયા બાદ કેટલાક નવા વાયરસ સતત દસ્તક આપી રહ્યા છે. વૈજ્ઞાનિકોને ફરી એકવાર એક નવો વાયરસ મળ્યો છે, જેના કારણે 35 લોકો સંક્રમિત થયા છે. ખાસ વાત એ છે કે આ વાયરસ ચીનમાં પણ જોવા મળ્યો છે, જ્યાં કોરોના વાયરસે પ્રથમ દસ્તક આપી હતી.તાઈવાન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર, Zoonotic Langya નામનો આ વાયરસ ચીનના શેનડોંગ અને હેનાન પ્રાંતમાં જોવા મળ્યો છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તાઇવાન આ વાયરસની દેખરેખ અને ઓળખ કરવા માટે ન્યુક્લીક એસિડ પરીક્ષણ પદ્ધતિ શરૂ કરશે.
આ વાયરસની ખતરનાક વાત એ છે કે,તે પ્રાણીઓથી માણસોમાં પણ ફેલાઈ શકે છે. તાઈવાનના સીડીસીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચુઆંગ ઝેન-હસિયાંગે રવિવારે કહ્યું કે,એક અભ્યાસ મુજબ, વાયરસ માણસોથી માણસમાં ફેલાયો નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, સીડીસીએ હજી નક્કી કરવાનું બાકી છે કે શું વાયરસ માણસો વચ્ચે ફેલાઈ શકે છે.
તેમણે લોકોને વાયરસ વિશે વધુ અપડેટ્સ પર ધ્યાન આપવાનું કહ્યું. પાલતુ પ્રાણીઓ પર કરાયેલા સેરોલોજિકલ સર્વેની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે,પરીક્ષણ કરાયેલા બે ટકા બકરા અને પાંચ ટકા શ્વાન પોઝીટીવ જણાયા હતા.સીડીસીના ડેપ્યુટી ડીજીએ જણાવ્યું હતું કે, 25 જંગલી પ્રાણીઓની પ્રજાતિઓના પરીક્ષણ પરિણામો સૂચવે છે કે,છછુંદર (ઉંદર જેવું નાનું જંતુભક્ષી સસ્તન પ્રાણી) લૈગ્યા હેનીપાવાયરસનું મુખ્ય કારણ હોઈ શકે છે.
ચુઆંગે કહ્યું કે,ચીનમાં સંક્રમિત મળી આવેલા 35 લોકો એકબીજા સાથે નજીકના સંપર્કમાં નથી. તેમણે જણાવ્યું કે,તાવ, થાક, ઉધરસ, ભૂખ ન લાગવી, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને ઉલ્ટી જેવા લક્ષણો 26 સંક્રમિતોમાં જોવા મળ્યા હતા.આ સિવાય પ્લેટલેટ્સ ઓછાં, લિવર ફેલ્યોર અને કિડની ફેલ થવાની ફરિયાદો પણ નોંધાઈ છે.