1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્વની અભિવ્યક્તિ કરવી, સ્વને સંરક્ષિત કરવું એ વિદ્યાભારતીનો વિચાર છેઃ યશવંત ચૌધરી
સ્વની અભિવ્યક્તિ કરવી, સ્વને સંરક્ષિત કરવું એ વિદ્યાભારતીનો વિચાર છેઃ યશવંત ચૌધરી

સ્વની અભિવ્યક્તિ કરવી, સ્વને સંરક્ષિત કરવું એ વિદ્યાભારતીનો વિચાર છેઃ યશવંત ચૌધરી

0
Social Share

અમદાવાદઃ વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરીય ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે વિચારને મૂર્તિમંત કરતા અમદાવાદના ગોતા વિસ્તારમાં વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા સંચાલિત વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સના ભૂમિપૂજનનો કાર્યક્રમ વૈશાખ સુદ પાંચમ, 12મી મે 2024ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહ  યશવંતભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતમાં સંપન્ન થયો હતો

આ કાર્યક્રમમાં પોતાના વક્તવ્યમાં  યશવંતભાઈ ચૌધરીએ કહ્યું, सा विद्या या विमुक्तये ના સૂત્ર લઈને ભારતીય મૂલ્યોના પુન:સ્થાપન માટે વિદ્યાભારતી 1952થી કાર્યરત છે. એક આધુનિક મોડેલ ઊભું કરવાનો આ પ્રયાસ છે. વિદ્યાભારતી માતૃભાષાનો આગ્રહ સ્વીકારે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ પ્રારંભિક શિક્ષણમાં માતૃભાષાનો આગ્રહ રાખે છે. જોકે અંગ્રેજી શિક્ષિત વ્યક્તિઓ ભારતીય ચિંતન, વિચારથી અનભિજ્ઞ ન રહે તે માટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેનો વિચાર કરીને આ પ્રયોગ થયો છે. ગાંધીજીએ પણ ભારતનું શિક્ષણ કેવું હોય તેનું ચિંતન કર્યું છે. આજના વિશ્વની સમસ્યાઓના નિરાકરણ ભારતીય ચિંતન જીવન શૈલીમાં રહેલું છે. સંઘ માને છે કે મૂલ્યોના બીજને સાચવી રાખવા આવશ્યક છે, એ બીજની જ્યારે આવશ્યકતા ઊભી થાય ત્યારે ઉપલબ્ધ થાય એને માટે પ્રયાસરત રહેવું પડે. પ્રવાહથી પતિત થઈને ન રહેવું પ્રવાહની સાથે રહેવું પરંતુ એમાં ડૂબીને નહીં. “સ્વ” ની અભિવ્યક્તિ કરવી, “સ્વને”સંરક્ષિત કરવું આ વિચાર વિદ્યા ભારતીનો છે.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, દરેક વસ્તુનું સોલ્યુશન જ્ઞાન જ છે. અંગ્રેજી એક વિષય છે બીજા ઘણા વિષયો છે જે સમજીશું તો ઘણા આગળ વધી શકાય તેથી અંગ્રેજીના પ્રભાવમાં ન આવવું જોઈએ. અમે જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત માટે વિશ્વમાં ગયા ત્યાં બધે ગુજરાતીમાં જ વાત કરી હતી. વિકાસ અને વિરાસત જળવાઈ રહેવી જોઈએ. સંસ્કૃતિ ઊભી હશે તો તે મજબૂત પાયા ઉપર ઇમારત ઊભી થઈ શકશે. વિદ્યાભારતીએ મણિપુરની અશાંત સ્થિતિ વખતે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. વિદ્યાભારતી શિક્ષણ તો આપે જ છે સાથે સાથે  ચારિત્ર્ય પણ આપે છે.

આ કાર્યક્રમનો આરંભ અતિથિઓના હસ્તે દીપપ્રાગટ્યથી થયો હતો. કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દેવાંગ દાણી, હેસ્ટર બાયો સાયન્સ લિમિટેડના સ્થાપક, સીઇઓ અને એમડી રાજીવ ગાંધી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહપ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય, વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી સાધનાબેન ભંડારી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code