
ગુજરાતઃ રાજભવનમાં ઉત્તરાખંડ સ્થાપના દિવસની રાષ્ટ્રીય એકતાના ગરિમામય વાતાવરણમાં ઉજવણી
ગાંધીનગરઃ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય એકતાના ગરિમામય વાતાવરણમાં રાજભવનમાં ઉત્તરાખંડ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું કે, ઉત્તરાખંડ ભારતના મુગટ તરીકે દૈદિપ્યમાન છે. ઉત્તરાખંડની આધ્યાત્મિક ચેતનાથી ઓતપ્રોત સંસ્કૃતિ અને સરહદોની સુરક્ષા માટે સદાય તત્પર રહેતા ઉત્તરાખંડના બહાદુર યુવાનો ભારત માટે આદર્શ અને પ્રેરણાદાયી છે. તેમણે ઉત્તરાખંડના નાગરિકોને સ્થાપના દિવસના અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા.
રાજભવનમાં ઉત્તરાખંડના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેવા પધારેલા ગુજરાતમાં રહેતા ઉત્તરાખંડના નાગરિકો ઉત્સાહ અને ઉમંગભેર પોતાના પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને આવ્યા હતા. મહિલાઓએ નાકમાં મોટી નથ, ગળામાં ગુલોબંધ અને માંગટીકા સાથેના પરંપરાગત ઘરેણા અને પોશાકો ધારણ કર્યા હતા. તો પુરુષોએ રાજ્ય ફુલ – બ્રહ્મકમલની મુદ્રા સાથે પહાડી ટોપી પહેરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઐતિહાસિક પહેલથી ભારતના તમામ રાજભવનોમાં તમામ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના અભિગમ સાથે ઉજવાઈ રહેલા સ્થાપના દિવસોની ઉજવણીના કાર્યક્રમોના માધ્યમથી બંને રાજ્યો વચ્ચે સંસ્કૃતિની આપ-લે થાય છે. બે રાજ્યો એકતાના મજબૂત સૂત્રથી બંધાય છે. એટલું જ નહીં, બંને રાજ્યોના નાગરિકો-કલાકારો વચ્ચે શ્રેષ્ઠતાના ગુણોનું આદાન-પ્રદાન થાય છે. બંને રાજ્યોમાં સ્ફૂર્તિની અનુભૂતિ થાય છે અને બંને રાજ્યની સંસ્કૃતિ વધુ સમૃદ્ધ થાય છે. સ્થાપના દિવસ સમારોહના આરંભે ઉત્તરાખંડના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીતસિંહે વિડિયોના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉત્તરાખંડના બીરોંખાલ-પૌડી ગઢવાલના ડાંગ ગામના મૂળ નિવાસી શંભુપ્રસાદ ગૌનિયાલ કારગીલ યુદ્ધ લડ્યા હતા. 1999 ની 7મી જુલાઈએ પિંગલ પોસ્ટ પર દુશ્મનો આમને-સામને થઈ જતાં એ. કે.-57 ની એક ગોળી તેમના જમણા ખભાને ચીરીને દાઢ નીચેથી ઘસાઈને નીકળી ગઈ હતી. તેમના પગ પાસે જ ફૂટેલા બોમ્બની કરચો તેમના પગમાં ઘૂસી ગઈ હતી. આવી લોહી લુહાણ અવસ્થામાં તેઓ આઠ-નવ કિલોમીટર ચાલીને તળેટીમાં પહોંચ્યા હતા. અત્યારે અમદાવાદમાં સ્થાયી થયેલા ઓપરેશન વિજયના કારગીલ યોદ્ધા શ્રી શંભુપ્રસાદ ગૌનિયાલે પોતાના અનુભવો કહ્યા હતા.
ઉત્તરાખંડથી પધારેલા કલાકારોએ દુવડી અને તાંડી નૃત્યની પ્રસ્તુતિ કરી હતી. જ્યારે ગુજરાતી કલાકારોએ દિપાવલી નૃત્ય, ગંગા આરાધના નૃત્ય અને મિશ્ર રાસ રજૂ કર્યો હતો. બંને રાજ્યોના કલાકારોએ સાથે મળીને ‘વંદે માતરમ’ ગીત પર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી.