
ગુજરાતમાં હવે ફાર્માસિસ્ટ વિના દવા વેચનારા મેડિલક સ્ટોર્સ સામે આંકરો દંડ અને સજાની જોગવાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ઘણાબધા મેડિકલ સ્ટાર્સમાં ફાર્માસિસ્ટ હોતા જ નથી. અને દવાનું વેચાણ કરવામાં આવતું હોય છે. આ અંગેની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી હતી. અનેક મેડિકલ સ્ટોર એવા છે, કે જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે મેડિકલ સ્ટોર્સના સંચાલક પાસેથી ભાડું વસૂલતા હોય છે. તમામ મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ફરજિયાત હાજર હોવા જરૂરી છે. જો ફાર્માસિસ્ટ વિના દવાનું વેચાણ કરવામાં આવે તો અત્યાર સુધી 1 હજાર રૂપિયાનો દંડ હતો, જે દંડની રકમ વધારી હવે એક લાખ કરવામાં આવી છે. ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરતાં નવા દંડની રકમ નક્કી કરવામાં આવી છે. બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા ફટકારવામાં આવશે. આ નવા નિયમથી મેડિકલ સ્ટોર્સ ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશની ફાર્મસી કાઉન્સિલે પણ વર્ષો જુના કાયદામાં ફેરબદલ માટે માગણી કરી હતી.
ભારત સરકારે 75 વર્ષ બાદ કાયદામાં ફેરફાર કર્યો છે. અને જનવિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરીને કાયદો કડક કર્યો છે. હવેથી ફાર્મસી એક્ટનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફાર્માસિસ્ટ પોતાના રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી સર્ટિફિકેટ મેડિકલ સ્ટોર ચલાવવા ભાડે આપશે તો એક લાખનો દંડ ફટકારવામાં આવશે. અગાઉ માત્ર એક હજારનો દંડ અને 6 માસની સજા હતી. જૂના કાયદામાં સુધારો કરીને દંડની રકમ એક લાખ કરવામાં આવી છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પાવર આપવામાં આવ્યા છે. નિયમનું ઉલ્લંઘન કરનાર ફાર્માસિસ્ટને પ્રથમ વખત એક લાખનો દંડ કરવામાં આવશે. બીજી વખત ઝડપાય તો બે લાખનો દંડ અને 3 મહિનાની સજા કરવામાં આવશે. આ કાયદાથી ગામડાના લોકોને પણ ગામડાના મેડિકલ સ્ટોરમાંથી ફાર્માસિસ્ટ પાસેથી દવા મળશે. ફાર્માસિસ્ટ વિના દવા વેચી જ નહીં શકાય.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા દેશના દરેક રાજ્યની સરકાર અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને સેક્શન 26 હેઠળ જન વિશ્વાસ બિલમાં સુધારો આવ્યો છે તે અંગે જાણ કરવામાં આવી છે. ભાડા પર ફાર્મસીના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે, ટીચર્સ પણ દવાઓ આપતા હોય છે તે બધા પર કાયદા દ્વારા નિયંત્રણ આવશે. લોકોને ફાર્માસિસ્ટ પાસેથી ચોક્કસ ગુણવત્તાવાળી દવા મળવી જોઈએ તે ફાર્માસિસ્ટની હાજરીમાં જ મળશે. અત્યાર સુધી ફાર્મસી માફિયાઓ ફાર્મસી ચલાવી રહ્યા હતા એ માફિયાગીરીનો અંત આવશે.