મેલબોર્ન, 9 જાન્યુઆરી 2026: ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય વિક્ટોરિયામાં જંગલની આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આગની ગંભીરતાને જોતા સ્થાનિક સત્તાવાળાઓએ અનેક વિસ્તારોમાં વસતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવાનો સખત આદેશ આપ્યો છે. વર્ષ 2019 પછી પહેલીવાર આટલા મોટા પાયે આગનું જોખમ ઊભું થયું છે.
ઇમરજન્સી મેનેજમેન્ટ કમિશનર ટિમ વેઇબુશે પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ અત્યંત જોખમી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે આવતીકાલ સુધીમાં તમામ રહેવાસીઓએ આ જોખમી વિસ્તારો ખાલી કરી દેવા જોઈએ. નોંધનીય છે કે નવેમ્બર 2019 બાદ આ પ્રથમ ઘટના છે જ્યારે વિક્ટોરિયાના આટલા મોટા ભાગોમાં એકસાથે ‘એક્સટ્રીમ ફાયર ડેન્જર’ જાહેર કરવામાં આવ્યું હોય.
આ પણ વાંચોઃઈરાન સળગ્યું: 31 પ્રાંતોમાં વિરોધ પ્રદર્શન, ખામેનેઈ વિરૂદ્ધ થયા સુત્રોચ્ચાર
અગ્નિશમન વિભાગ અને સ્થાનિક સત્તામંડળે વિક્ટોરિયાના મુખ્ય ચાર વિસ્તારો માટે સૌથી ઉંચુ આગનું રેટિંગ જાહેર કર્યું છે, જેમાં મધ્ય વિક્ટોરિયા, ઉત્તરી વિક્ટોરિયા, ઉત્તર-પશ્ચિમ વિક્ટોરિયા અને દક્ષિણ-પશ્ચિમ વિક્ટોરિયાનો સમાવેશ થાય છે. રાજ્યના બાકીના હિસ્સાઓ માટે પણ ‘ખૂબ જ ઉચ્ચ’ આગના ભયની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રચંડ ગરમી અને તેજ પવનને કારણે આગ વધુ ઝડપથી ફેલાવવાની આશંકા સેવાઈ રહી છે.
સરકારી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ નાગરિકોને ચેતવણી આપી છે કે આગ કાબૂ બહાર જાય તે પહેલાં જ સલામત સ્થળોએ પહોંચી જવું હિતાવહ છે, કારણ કે અંતિમ ઘડીએ સ્થળાંતર કરવું જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃભારત હવે ફરીથી વેનેઝુએલા પાસેથી કાચું તેલ ખરીદી શકશે: અમેરિકા


