
સુરેન્દ્રનગરઃ આજના મોબાઈલ અને ઈન્ટરનેટના જમાનામાં હવે શહેરો જ નહીં પણ ગામડાંના લોકો પણ નવી ટેકનોલોજી અપનાવતા થયા છે. વીજળીથી લઈને ગ્રામ પંચાયતોના વેરોની બિલો લાઈનમાં ઊભા રહીને ભરવા જતા હતા, તે ભૂતકાળ બની ગયો છે. હવે ગામડાંના લોકો પણ પોતાના મોબાઈલ ફોનથી ઓનલાઈન ગુગલ કે ફોન પેથી બિલો ભરે છે. ત્યારે ગ્રામ પંચાયતો પણ ડિજિટલ બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ પંચાયતોમાં ઓનલાઇન વેરો ભરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાની 540 ગ્રામ પંચાયતોમાં ક્યુઆર કોડથી વેરો ભરી શકાય છે. ગ્રામ પંચાયતના અને મહેસૂલી વેરા ભરાવાની ગમે ત્યાંથી સુવિધા મળે છે. જેમાં વેરો ભરનાર ગમે ત્યાંથી ક્યુઆર કોડની મદદથી વેરો ભરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત હેઠળ આવતી 540 ગ્રામ પંચાયતોમાં વેરો વસૂલવાની કામગીરી કાગળથી થતી હોવાથી હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેમાં ગ્રામજનો પાણીવેરો, ઘરવેરો, સફાઇ વેરો, લાઇટ વેરો, ગટર વેરો, વહીવટી વેરો સહિત મહેસૂલી વેરા લોકો રોકડેથી વેરો ભરે તેની કાગળકીય પ્રક્રિયા બાદ નાણા ખાતામાં જમા કરાવવા સહિત પ્રક્રિયા થતી હતી. હાલ જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાતની કામગીરી ઝડપી અને સઘન થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં લોકો અને તંત્રને સરળતા રહે તે માટે અને ભારતના ડિજિટલ ઇન્ડિયાને સમર્થન માટે જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ક્યુઆર કોડ આધારિત વેરા વસૂલાત કાર્યવાહી હાથ ધરાઇ હતી.જેમાં જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતોમાં હાલ ક્યુઆર કોડ મૂકી વેરા વસૂલાત પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આથી લોકોને સુવિધા મળી છે જેમાં હાલ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં નોકરી ધંધા અર્થે ગયેલા લોકો જેમને વેરા ભરવામાં પરેશાની થતી હતી તેઓ ક્યુઆર કોડની મદદથી જે સ્થળે હોય ત્યાંથી વેરો ભરવાની સુવિધા મેળવતા થયા છે.
આ અંગે જિલ્લા નાયબ જિલ્લા વિકાસ અધિકારીના કહેવા મુજબ જિલ્લાની 540 ગ્રામ પંચાયતોને ક્યુઆર કોડ આપવાની કાર્યવાહી ડિજિટલ કરવામાં આવી છે. જેમાં જિલ્લાની મોટા ભાગની ગ્રામ પંચાયતનું બેંક ખાતુ જે બેંકમાં હોય તે બેંકના ક્યુઆર કોડ મેળવી ગ્રામ પંચાયતોની ઓફિસમાં લગાવી આપવામાં આવ્યા છે. જો કે જિલ્લાના ચુડા તાલુકાની બે ગ્રામ પંચાયતો તેમજ લીંબડી તાલુકાની એક ગ્રામપંચાયતમાં ટેકનિકલ કારણોસર ઓનલાઈન વેરા ભરવાની કામગીરી થઈ શકી નથી. હાલ જ્યાં ક્યુઆર કોડ મળી ગયા ત્યાં ઓનલાઇન વેરા ભરવાની સુવિધા શરૂ કરાઇ છે. જે સીધા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં સીધા જમા થાય છે. જેથી વહીવટી પ્રક્રિયા સરળ અને સુદૃઢ બને અને લોકોનો સમય પણ બચી શકે છે.