
ધોરણ 10 -12ની પરીક્ષામાં ઉત્તરવહી મૂલ્યાંકનનું કાર્ય વિષય નિષ્ણાતો પાસે કરાવોઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં 15.38 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ધોરણ 10ની પરીક્ષા માટે 9.17 લાખ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 1.31 લાખ તથા સામાન્ય પ્રવાહ માટે 4.89 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી છે. હાલ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. કહેવાય છે.કે, ધોરણ-8 ના શિક્ષકો ધોરણ 10 SSC બોર્ડના પેપર તપાસી રહ્યા છે. ગત વર્ષ કરતા એક લાખથી વધારે વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી છે. અંગ્રેજી માધ્યમના પૂરતા શિક્ષકો સરકાર પાસે ન હોવાથી અન્ય શિક્ષકો અંગ્રેજી માધ્યમના બોર્ડના પેપર તપાસી રહ્યા છે. ગુજરાતના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને યોગ્ય માર્કસ ન મળે તો પરિણામમાં મોટો અન્યાય થશે, તેથી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન વિષય નિષ્ણાંત શિક્ષકો પાસે કરાવવું જોઈએ. તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણીબધી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ પરિણામ વધારવા મનસ્વી રીતે મૂલ્યાંકનના નિયમોને નેવે મૂકીને ઇન્ટરનલ માર્ક્સ આપ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. ધોરણ 10 માં જે 20 ઇન્ટર્નલ માર્કસ હોય છે, તેમાં ગયા વર્ષે શાળાઓએ હોશિયાર વિદ્યાર્થીઓને ટ્યુશન ન રાખતા હોવાથી ઓછા માર્ક્સ આપ્યા હતા અને પોતાના માનીતા વિદ્યાર્થીઓને વધુ માર્કસ આપ્યા હતા તે બાબતે કોંગ્રેસે સાબિતી સાથે ફરિયાદ કરતા શાળાઓની તપાસ કરવામાં આવી હતી અને તેમાં શાળાઓ દોષિત થઈ હતી. પરંતુ, તે પછી કોઈપણ કડક દાખલરૂપ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વર્ષે પણ આ જ પ્રમાણે ઇન્ટર્નલ માર્કમાં કૌભાંડ થવાની વકી દેખાઈ રહી છે.
તેમણે કહ્યું હતું કે, એક તરફ સરકાર પાસે ચૂંટણી માટે કામ કરવા માટે પૂરતા શિક્ષકો નથી, માટે જ્ઞાન સહાયકોનો તેમાં ઉપયોગ થઈ રહ્યો છે. સરકાર માત્ર તેમનો ઉપયોગ કરી રહી છે. હકીકતમાં, જ્ઞાન સહાયકને વેકેશનમાં છુટા કરવાના હતા અને 5 મેં સુધી જ કરાર આધારિત કાર્ય કરવાના હતા પરંતુ તેમના કરાર બાદ પણ તેમને ચૂંટણીના કાર્યમાં જોતરવામાં આવ્યા છે. જો સરકાર પાસે શિક્ષકો હોય જ નહીં અને તેમનજ પાસે આ પ્રકારના કામો વેકેશનમાં પણ લેવાઈ રહ્યા હોય તો આ જ્ઞાન સહાયકોને કાયમી કરવામાં આવે તેવી માગ છે.