
ગુજરાત હાઈકોર્ટમાં થતી પિટિશનમાં હવે અરજદારની જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ કરી શકાશે નહીં
અમદાવાદઃ ગુરાત હાઈકોર્ટમાં કરાતી પિટિશનમાં અરજદારો દ્વારા જ્ઞાતિ કે ધર્મનો ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પિટિશનમાં જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ કરી શકાશે નહીં. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા આ અંગે રજિસ્ટ્રીને પરિપત્ર કરીને સુચના આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કોર્ટમાં ફાઇલ થતી નવી પિટિશનો માટે અગત્યનો નિર્ણય લીધો છે. અને તાત્કાલિક અસરથી નવા દાખલ થતાં કેસની પિટિશનમાં અરજદારની જ્ઞાતિ અને ધર્મ અંગે કોઇ જાણકારી લખી શકાશે નહીં. ચીફ જસ્ટિસે આ અંગે બહાર પાડેલા પરિપત્રમાં રજિસ્ટ્રીને સૂચના આપી છે કે, કોઇપણ પિટીશન, અરજી, રિટ કરનાર અરજદારની જ્ઞાતિ અને ધર્મની માહિતી નહીં લખનાર સામે કોઇ પગલા લેવા નહીં. સુપ્રીમ કોર્ટના એક કેસના પગલે તમામ હાઈકોર્ટને પિટીશનમાં અરજદારની જ્ઞાતિ અને ધર્મ જાહેર નહીં કરવા સૂચન કરાયું હતુ.
સુપ્રીમકોર્ટે દરેક હાઈકોર્ટને એવી સૂચના આપી હતી કે, કોઇપણ અરજીમાં અરજદારોની જ્ઞાતિ અને ધર્મને જાહેર કરી શકાશે નહીં. હાઈકોર્ટના વકીલો, સરકારી વકીલો, પબ્લિક પ્રોસીકયુટર્સ,અને પાર્ટી ઇન પર્સનને પણ આ નિર્ણય લાગુ પડશે.હાઈકોર્ટે રજિસ્ટ્રીને પણ કડક સૂચના આપી હતી કે, કે કોઇ અરજીમાં અરજદારે પોતાની જ્ઞાતિ કે ધર્મ લખ્યું ના હોય તો તેની સામે વિરોધ કરી શકશે નહીં. કોઈપણ કેસ નોંધાય તે પહેલા કોમ્પ્યુટર સોફટવેરમાં તેમના જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ રદ કરાશે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા પરિપત્ર કરીને રજિસ્ટ્રીને સુચના આપવામાં આવી છે. હાઇકોર્ટના તાબા હેઠળની દરેક તાલુકા અને જિલ્લા કોર્ટે પણ પરિપત્રનો કડક અમલ કરવાનો રહેશે. કોઈપણ કેસની સુનાવણીમાં અરજદારની જ્ઞાતિ-ધર્મ જાહેર કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે એક કેસને ટાંકીને આ આદેશ કર્યો હતો.