
રાજકોટમાં ભાજપે બે મહિલા કોર્પોરેટરને ગેરરીતિના મુદ્દે પક્ષમાં સસ્પેન્ડ કર્યા, પણ કોર્પોરેટરપદે યથાવત
રાજકોટઃ શહેરના ગોકુલનગર આવાસ યોજનામાં મકાનોની ફાળવણીના ડ્રોમાં થયેલી ગેરરીતિમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરોની સંડોવણી પ્રકાશમાં આવતા ભાજપએ વોર્ડ નં. 5નાં કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6નાં કોર્પોરેટર દેવુબેન જાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જો કે બન્ને કોર્પોરેટરની સેવા અપક્ષ તરીકેની ચાલુ રહેશે.
આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં વોર્ડ નં. 5નાં કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નં. 6નાં કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પત્નીના પદનો ફાયદો લઈ મળતિયાઓને આવાસ ફાળવવામાં આવ્યાં હોવાની ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. અને આ સમગ્ર મામલે મ્યુનિ. કમિશનરે એક તપાસ સમિતિની રચના કરી હતી, જેના રિપોર્ટમાં બંને કસૂરવાર હોવાનું ખૂલતાં ભાજપે 48 કલાકની નોટિસ આપી હતી. એમાં બંને કોર્પોરેટરોએ રજૂ કરેલા બચાવને ફગાવી દઈ હાલ 6 વર્ષ માટે બંનેને ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે ભાજપે બંનેને માત્ર ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરી સંતોષ માની લીધો છે. એને લઈ બન્ને અપક્ષના નગરસેવક તરીકે કોર્પોરેટરપદે યથાવત્ રહેશે.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, બહુચર્ચિત બનેલા આવાસ યોજના પ્રકરણમાં વોર્ડ નં. 5નાં કોર્પોરેટર વજીબેન ગોલતર તેમજ વોર્ડ નં. 6નાં કોર્પોરેટર દેવુબેન જાદવ સામે ગેરરીતિના આરોપ લાગ્યા હતા. આ મામલે તપાસ કમિટીએ આપેલા રિપોર્ટમાં આ બંને કોર્પોરેટરોએ ગેરરીતિ કરી હોવાનું સ્પષ્ટપણે ખૂલ્યું છે. આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું હાઈકમાન્ડનું માનવું છે. એને લઈને હાઈકમાન્ડની સૂચના મુજબ આ બંને મહિલા નગરસેવકોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. જોકે તેઓ કોર્પોરેટર પદે યથાવત્ રહેશે, પરંતુ હવેથી તેઓ ભાજપના નહીં, અપક્ષ કોર્પોરેટર ગણાશે.
આરએમસીના સ્ટેન્ડિંગ ચેરમેન જૈમિન ઠાકરે જણાવ્યું હતું કે, આવાસ ફાળવણીના આ કૌભાંડની હાલ તપાસ ચાલી રહી છે, જેમાં બંને કોર્પોરેટરો કસૂરવાર હોવાનું ખૂલતાં ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. નિયમ મુજબ તેમને કોર્પોરેટર પદેથી દૂર કરી શકાય એમ નહીં હોવાથી આ નિર્ણય લેવાયો છે. આવી જ રીતે મ્યુનિ.ના અન્ય કોઈ અધિકારીઓની પણ સંડોવણી ખૂલશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે.