
ગુજરાતના શહેરોમાં માત્ર 10 મીનીટમાં અને ગામડાંમાં અડધો કલાકમાં પોલીસની મદદ મળી શકશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી હતી કે, રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં 10 મીનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મીનીટના રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરાશે. આ માટે 1100 નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી કરીને આખા રાજ્યને ડાયલ 112માં સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્યમાં 200 પોલીસ સ્ટેશનને PI કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની નિમણૂંક કરાશે. આગામી દિવસમાં 650 જેટલા આઈટી એક્સપર્ટની ભરતી કરવામાં આવશે. તેમજ 200 આઉટ પોસ્ટ જે હેડ કોન્સ્ટેબલથી ચાલતા હતા ત્યાં PSIની નિમણૂંક થશે. પોલીસ ફોર્સની જિલ્લાઓમાં ફાળવણી હવે PPRના આધારે કરાશે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મહિલા સલામતિ અંગે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન 33માં સ્થાને છે. ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં મહિલા સુરક્ષાના વિષયમાં ગંભીરતા પૂર્વક કામગીરી કરીને મહિલા વિરુધ્ધના ગુનાઓને નિયંત્રિત કરવામાં ખૂબ સફળતા મેળવી છે, આશરે 29 કેસોમાં ખુબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા આપવામાં આવી છે. ગુજરાતભરમાં ડ્રગ્ઝ સામેનું અભિયાન આજથી જંગ તરીકે લડાશે. ડ્રગ્ઝની દરીયાઇ સરહદો પરની દુશ્મન દેશ સાથેની લડાઇ હવે ગલી ગલી સુધી પહોંચશે. સીઆઇડી ક્રાઇમમાં રાજયમાં પ્રથમ વાર પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી સેલના વડપણ હેઠળ એનડીપીએસ સેલની રચના થશે.
રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં 10 મીનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મીનીટના રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવા ગૃહ રાજ્ય મંત્રીએ યોજના જાહેર કરી છે, આ માટે 1100 નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી આખા રાજ્યને ડાયલ 112માં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શોધ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ સબ ઇન્સપેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઇન્સ્પેકટર કક્ષામાં ત્રણ તબક્કામાં અપગ્રેડ કરાશે, પોલીસ સ્ટેશન દીઠ આઇ.ટી. એક્ષ્પર્ટની જગ્યા ઉભી કરાશે. આ ઉપરાંત ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત 200 આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ / એએસઆઇ કક્ષાથી પોલીસ સબ ઇન્સપેકટર કક્ષામાં અપગ્રેડ તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાયકલની ફાળવણી કરવામાં આવશે. તેમજ ત્રિશુળ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે અતિ આધુનિક રાજ્ય સ્તરીય સાયબર યુનીટ બનાવવામાં આવશે.
સુગમ યોજના હેઠળ રાજ્યના મહાનગરોમાં મોબીલીટી અને સલામતી માળખાને મજબુત બનાવવા 1,000 ટ્રાફીક પોલીસની નવી જગ્યાઓ અને આધુનિક તકનીકી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોમી તોફાનો અને હિંસાત્મક બનાવો તરફની ઝીરો ટૉલરન્સ નીતિના ભાગરૂપે એસઆરપીએફ જુથ-2, અમદાવાદની કંપનીને સ્પેશ્યલ એકશન ફોર્સ તરીકે વિકસાવવામાં આવશે.