ચોખાના ઉત્પાદનમાં ચીનને પછાડી ભારત બન્યું નંબર-1
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: કૃષિ ક્ષેત્રે ભારત માટે આજે ગર્વ લેવા જેવો દિવસ છે. ખાદ્ય સુરક્ષાના મામલે ભારતે એક મોટી છલાંગ લગાવી છે. પાડોશી દેશ ચીનને પાછળ છોડીને ભારત હવે વિશ્વમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઐતિહાસિક સિદ્ધિની જાહેરાત કરતા જણાવ્યું કે, ભારત હવે માત્ર સ્વનિર્ભર જ નથી, પરંતુ વિશ્વને અનાજ પૂરું પાડનાર મુખ્ય દેશ પણ બની ગયો છે.
કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું કે: ભારતમાં ચોખાનું કુલ ઉત્પાદન 15.18 કરોડ ટન ઉપર પહોંચ્યું છે. જ્યારે ચીનનું કુલ ઉત્પાદન 14.5 કરોડ ટન છે. આ અસાધારણ વધારાને કારણે વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ નિયંત્રિત કરવામાં પણ ભારતની ભૂમિકા મહત્વની સાબિત થઈ રહી છે. ભારત હવે ખાદ્ય અછતવાળા દેશમાંથી ‘વૈશ્વિક ફૂડ પ્રોવાઈડર’ બની ગયું છે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા વિકસિત 25 વિવિધ પાકોની 184 નવી અદ્યતન જાતોનું મંત્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આ નવી જાતો ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે. આ બિયારણો વધુ ઉત્પાદન આપવાની સાથે આબોહવા પરિવર્તન સામે પણ લડવાની ક્ષમતા ધરાવે છે. તેમણે અધિકારીઓને આ બિયારણો વહેલી તકે ખેડૂતો સુધી પહોંચાડવા સૂચના આપી છે.
રાજપત્ર (Gazette) પ્રક્રિયા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 7,205 પાકની જાતો જાહેર થઈ છે, જેમાં ઘઉં, મકાઈ, કઠોળ અને તેલીબિયાંનો સમાવેશ થાય છે. ઉચ્ચ ગુણવત્તાવાળા બીજને કારણે દેશ હવે કૃષિ ક્રાંતિના નવા યુગમાં પ્રવેશી ચૂક્યો છે.


