
વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ પણ હવે નથી રહ્યો ઠંડો, આર્કટિકમાં નોંધાયું સૌથી ઉંચુ તાપમાન
- વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ પણ હવે નથી રહ્યો ઠંડો
- આર્કટિક ખાતે સૌથી ઉંચા તાપમાનનો રેકોર્ડ નોંધાયો
- 38 ડિગ્રી સેલ્સિયસ પારો નોંધાયો
નવી દિલ્હી: વિશ્વના સૌથી ઠંડાગાર પ્રદેશ તરીકે આર્કટિક સૌથી પ્રથમ સ્થાન પર છે પરંતુ હવે તો સૌથી ઠંડુ ક્ષેત્ર પણ હવે ઠંડુ રહ્યું નથી અને ત્યાં પણ મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટી રહ્યો છે. આર્કટિક ખાતે મહત્તમ તાપમાનનો રેકોર્ડ 38 ડિગ્રી સેલ્સિયસ છે જે ગત વર્ષે જૂન મહિનામાં નોંધાયું હતું. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે.
વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠને પુષ્ટિ કરી હતી કે સાઇબેરિયાના વર્ખોયાન્સ્ક ખાતે પારો મહત્તમ 38 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો હતો. તે ત્યાં ચાલી રહેલા હીટવેવનું ઉચ્ચત્તમ સ્તર હતું. સમગ્ર વિસ્તારમાં ગરમીનો પારો સરેરાશ કરતા 10 ડિગ્રી સેલ્સિયસ ઉંચો ચાલી રહ્યો હતો. આ ઘટનાથી અહીંયાની ઇકોસિસ્ટમ નાશ થવાનો પણ ખતરો તોળાઇ રહ્યો છે.
WMO અનુસાર આ બધું જળવાયુ પરિવર્તનના કારણે બની રહ્યું છે. આપણે તાત્કાલિક કશુંક કરવું જોઈએ નહીં તો જોખમની આવી અનેક ઘંટડીઓ વાગવા લાગશે. જો ધરતીના કોઈ એક હિસ્સાનું તાપમાન બદલાય તો સમગ્ર વિશ્વ પર તેની અસર પડે છે.