
- ઇસ્લામિક દેશોએ ફરીથી કાશ્મીરનો રાગ છેડ્યો
- કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપવાની ઘોષણા કરી
- પાકિસ્તાનમાં OICની બેઠક યોજાઇ હતી
નવી દિલ્હી: ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રી(OIC)એ ફરી કાશ્મીર રાગ છેડયો છે.
કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો હોવા છતાં પણ અનેકવાર ઇસ્લામિક સંગઠનો કાશ્મીરનો રાગ આલાપતા હોય છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને OICના મહાસચિવ હિસેન ઇબ્રાહિમ તાહા સાથે બેઠક કરી હતી. આ દરમિયાન કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી. આ દરમિયાન બંનેએ કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપવાની ઘોષણા કરી હતી.
પાકિસ્તાનમાં OICની બેઠક યોજાઇ હતી. સાઉદી અરબ દ્વારા આયોજીત આ બેઠકમાં કુલ 57 દેશોમાંથી 20 દેશોના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો.
OICના નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, જમ્મુ કાશ્મીરના ઘટનાક્રમ તેમજ કાશ્મીરી લોકો દ્વારા તેમના અધિકાર માટે થઈ રહેલા સંઘર્ષમાં સમર્થન આપવા માટે ચર્ચા થઈ છે.સાથે આત્મ નિર્ણયના અધિકાર પર પણ વાત થઈ છે. આ બંને મુદ્દા OICની તમામ બેઠકોના તમામ પ્રસ્તાવમાં સમાવાયેલા છે.
નોંધનીય છે કે, OICની બેઠકમાં કાશ્મીર મુદ્દો અવાર નવાર ઉછાળવામાં આવતો હોય છે. ગત મહિને OICના વિશેષ દૂત પાકિસ્તાન ગયા હતા ત્યારે પણ તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, હવે પછીની બેઠકમાં કાશ્મીરની સ્થિતિ પર એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે.