તેહરાન, 9 જાન્યુઆરી 2026: ઈરાનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે અત્યંત હિંસક અને વ્યાપક બની ગયું છે. દેશના તમામ 31 પ્રાંતોના 111 શહેરો અને નગરોમાં વિરોધ પ્રદર્શન ફેલાઈ ગયા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 34 દેખાવકારો અને 4 સુરક્ષાકર્મીઓના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 2200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઈરાનના રસ્તાઓ પર ઉતરેલા લોકોએ ઠેર-ઠેર નાકાબંધી કરી છે અને આગચંપી કરી છે. પ્રદર્શનકારીઓ ‘ખામેનેઈને મોત’ અને ‘ઇસ્લામિક રિપબ્લિકનો અંત આવ્યો છે’ જેવા આક્રમક સૂત્રોચ્ચારો કર્યા હતા. કેટલાક વિસ્તારોમાં ભૂતપૂર્વ ક્રાઉન પ્રિન્સ રઝા પહલવીના સમર્થનમાં પણ નારા લાગ્યા હતા, જેમાં લોકોએ ‘આ છેલ્લી લડાઈ છે, શાહ પહલવી પરત ફરશે’ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, ઈરાનના સરકારી મીડિયાએ આ હિંસા માટે બાહ્ય પરિબળોને જવાબદાર ઠેરવ્યા છે. અહેવાલો મુજબ, ઈરાન સરકારે આક્ષેપ કર્યો છે કે અમેરિકા અને ઈઝરાયેલના ‘આતંકવાદી એજન્ટો’ હિંસા ભડકાવી રહ્યા છે. સરકારી અહેવાલમાં જણાવાયું છે કે, પ્રદર્શનકારીઓએ ખાનગી કાર, મોટરસાયકલ, મેટ્રો સ્ટેશન, ફાયર ફાઈટરની ગાડીઓ અને બસો જેવી જાહેર મિલકતોને નિશાન બનાવી આગ ચાંપી છે.
ઈરાનની સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ઇસ્લામિક રિપબ્લિકની સરકાર અત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. જો તેઓ ઈરાનના નિર્દોષ લોકોને મારવાનું શરૂ કરશે, તો અમે તેમના પર અત્યંત જોરદાર તાકાતથી હુમલો કરીશું.” વધુમાં ટ્રમ્પે ઉમેર્યું કે, “ઈરાન અત્યારે 150 વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે. ત્યાં નિહત્થા લોકો પર હથિયારોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ એવા લોકો છે જેઓ પોતાના દેશને પ્રેમ કરે છે અને પરિવર્તન ઈચ્છે છે.”
આ પણ વાંચોઃવાળ ખરવા અને ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આટલુ કરો


