
ઈસરો કરશે થોડીવારમાં ગગનયાન મિશનનું પ્રથમ પરિક્ષણ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા સતત પોતાના કાર્યમાં આગળ વઘી રહી છે ત્યારે આજરોજ ગગનયાન મિશનનું પ્રથમ પરિક્ષણ છે. માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ISRO મનુષ્યને અવકાશમાં મોકલવાના મહત્વાકાંક્ષી મિશન (ગગનયાન મિશન) તરફ આગળ વધતી વખતે માનવરહિત ફ્લાઇટનું પરીક્ષણ કરશે.
ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1ની સફળતાથી પ્રોત્સાહિત થઈને, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) તેના ગગનયાન મિશન માટે માનવરહિત ઉડાનનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફ્લાઇટ ટેસ્ટ આજે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવી રહી છે.
ઈસરોએ જણાવ્યું હતું કે ‘ક્રુ મોડ્યુલ’ કે જે અવકાશયાત્રીઓને લઈ જશે અને ક્રૂ રેસ્ક્યુ સિસ્ટમથી સજ્જ રોકેટને શનિવારે સવારે 8 વાગ્યેને 30 મિનિટે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવશે.
પરીક્ષણ અવકાશયાન મિશનનો ઉદ્દેશ્ય ગગનયાન મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવા માટે ક્રૂ મોડ્યુલ અને ક્રૂ રેસ્ક્યૂ સિસ્ટમના સલામતી પરિમાણોનો અભ્યાસ કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે સવારે 7 વાગ્યે શરૂ થનાર પરિક્ષણનો સમય બદલાઈ ગયો છે. હવે તેને સવારે 8.30 કલાકે લોન્ચ કરવામાં આવશે. ઈસરો પહેલા તેના પરીક્ષણ વાહન એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) દ્વારા ક્રૂ મોડ્યુલને ઉપર લઈ જશે અને પછી બાદમાં આ ક્રૂ મોડ્યુલનું લેન્ડિંગ બંગાળની ખાડીમાં થશે. જ્યાં નેવીની ટીમ તેને રીકવર કરશે.