
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લીધે બંધ કરાયેલો તપોવનથી કોબા સુધીનો રોડ ચાલુ થતાં હજુ 4 મહિના લાગશે
ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી ગણાય છે. બન્ને શહેરો વચ્ચે મેટ્રો ટ્રેનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ગિફ્ટસિટીથી મોટેરા સુધીનો મેટ્રોનો ટ્રાયલ રન પણ પૂર્ણ થઈ ગયો છે. અને આવતા મહિનાથી એટલે કે ઓગસ્ટથી બન્ને શહેરો વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. પણ મેટ્રોની કામગીરીને કારણે તપોવન સર્કલથી કોબા સુધીનો માર્ગ છેલ્લાં લાંબા સમયથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. જેથી કરીને બંને શહેરો વચ્ચે પરિવહન કરતાં લાખો વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ બંધ કરાયેલો રોડ ચાલુ થતાં હજુ ચારેક મહિના જેટલો સમય લાગશે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નર્મદા કેનાલ પરથી મેટ્રો પસાર કરવા માટે તંત્ર દ્વારા કેબલ સ્ટ્રેઈડ બ્રિજ બાંધવાનો હોવાથી તપોવનથી કોબા સુધીનો અંદાજિત 4 કિમીનો રોડ લાંબા સમયથી બંધ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ મેટ્રો દ્વારા કેનાલ પર બાંધેલા કેબલ સ્ટ્રેઈડ બ્રિજ પર લોડ ટેસ્ટીંગ કરાયો હતો. ઉપરાંત આગામી માસથી મેટ્રો શરૂ થવાની શક્યતાં પણ રહેલી છે. પરંતુ તપોવનથી કોબા સુધીનો રોડ શરૂ થવામાં અંદાજિત 4 માસ સુધીનો સમય લાગવાની શક્યતાં છે. કારણ કે, મેટ્રો શરૂ થયા બાદ આ રૂટ પર રોડ રિસર્ફેસ કામગીરી હાથ ધરવામાં આવશે. ચોમાસા દરમિયાન રોડ નિર્માણની શક્યતા નહિવત છે. આ ઉપરાંત રોડ પર આવતાં મેટ્રો સ્ટેશનની કામગીરી પણ પ્રગતિ હેઠળ હોવાથી વાહન ચાલકોને હજું પણ વૈકલ્પિક માર્ગ અપનાવવાની ફરજ પડશે. રોજ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અપડાઉન કરતાં વાહનચાલકોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ તપોવનથી કોબા તરફનો માર્ગ બંધ હોવાથી વાહનચાલકો ઝુંડાલ થઈને વાયા અડાલજ ગાંધીનગરમાં પ્રવેશ મેળવતાં હોય છે. રાજસ્થાન સર્કલ પાસે બ્રિજની કામગીરી શરૂ હોવાથી ત્યાં પણ ભારે ટ્રાફિક જોવાં મળતો હોય છે. ઉપરાંત ઝુંડાલથી ત્રિમંદિર સુધી 8 લેઈન રોડની કામગીરી શરૂ હોવાથી રોડની સાઈડો ખોદી નાંખેલ હોવાને કારણે આ માર્ગે પણ ભારે ટ્રાફિક જોવાં મળે છે. કામના કલાકો દરમિયાન અંદાજિત 5 કિમીના રૂટ તેમજ અડાલજ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વકરી છે.