માત્ર એક કર્મચારી, 18 લાખનું મૂડીરોકાણ અને દરરોજ કરોડોની આવક, આ છે AIનો જાદુ
લોસ એન્જલસ, 7 એપ્રિલ, 2026 – અમેરિકાના મેથ્યુ ગેલગરે AI ની મદદથી 16,700 કરોડ રૂપિયાની કંપની ઊભી કરી દીધી છે. તેમની કંપનીમાં તેમના સિવાય માત્ર તેમનો ભાઈ જ એકમાત્ર કર્મચારી છે. ગેલગરની કંપની ‘મેડવી’ (MedVi) ટેલીહેલ્થ પ્લેટફોર્મ ચલાવે છે, જે વજન ઘટાડવાની GLP-1 દવા ઓનલાઇન વેચે છે.
લોસ એન્જલસના એક સામાન્ય ઘરમાં રહેતા 41 વર્ષીય મેથ્યુ ગેલગરે તે કરી બતાવ્યું છે જેની આગાહી OpenAI ના CEO સેમ ઓલ્ટમેને કરી હતી. કોઈ આલીશાન ઓફિસ, સેંકડો કર્મચારીઓની ફોજ કે કોઈ મોટી ફંડિંગ વગર ગેલગરે માત્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને પોતાની આવડતના જોરે બિઝનેસ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મેથ્યુ ગેલગરે પોતાની કંપની ‘મેડવી’ માત્ર 20,000 ડોલર (આશરે 18.5 લાખ રૂપિયા) લગાવીને શરૂ કરી હતી. સપ્ટેમ્બર 2024 માં શરૂ થયેલી આ કંપની વર્ષ 2026 માં 16,700 કરોડ રૂપિયાના ટર્નઓવર તરફ આગળ વધી રહી છે. એટલે કે 18 લાખ લગાવીને કામ શરૂ કરનાર ગેલગર આજે રોજ 28 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે.
અમેરિકી મીડિયાના અહેવાલ મુજબ…
મેડવી સાથે પહેલા જ મહિને 300 ગ્રાહકો જોડાયા અને બીજા મહિના સુધીમાં આ આંકડો 1,000 ને પાર કરી ગયો. 2025 માં કંપનીના પ્રથમ પૂરા વર્ષમાં મેડવીએ 40.1 કરોડ ડોલર (3,700 કરોડ રૂપિયા) નું વેચાણ કર્યું હતું. આના પર 16.2% એટલે કે આશરે 600 કરોડ રૂપિયાનો નફો થયો, જે આ સેક્ટરની દિગ્ગજ કંપની ‘હિમ્સ’ ના 5.5% નફા કરતા કલા ગણો વધારે છે. ગેલગરે અગાઉ 60 કર્મચારીઓવાળી કંપની ચલાવી હતી જે ખોટમાં રહી અને બંધ થઈ ગઈ હતી.
સેમ ઓલ્ટમેને વર્ષ 2024 માં કહ્યું હતું કે ટૂંક સમયમાં AI ની મદદથી એક એકલો માણસ 1 અબજ ડોલરની કંપની ઉભી કરી શકશે. મેથ્યુ ગેલગરે આ વાત સાચી કરી બતાવી છે. ગેલગરનું કહેવું છે કે તેમની સૌથી મોટી શક્તિ ઝડપી નિર્ણય લેવાની છે. જ્યાં મોટી કંપનીઓ મીટિંગો અને ઈમેલના ચક્કરમાં ફસાયેલી રહે છે, ત્યાં ગેલગર AI ની મદદથી મિનિટોમાં મોટા નિર્ણયો લઈ લે છે.
આ પણ વાંચોઃ ઊર્જા ક્ષેત્રે ભારતને મળી જંગી સફળતાઃ પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું આ વિશે?
12 AI ટૂલ્સ સંભાળે છે બિઝનેસ
મેડવીનું આખું માળખું AI ના સ્તંભો પર ટકેલું છે. ગેલગર એકલા જ આખી કોર્પોરેટ ટીમનું કામ કરી રહ્યા છે, કારણ કે તેમની પાસે ડઝનબંધ AI આસિસ્ટન્ટ છે:
કોડિંગ: ChatGPT, ક્લાઉડ અને ગ્રોક (Grok) નો સહારો લીધો.
જાહેરાત: મિડજર્ની અને રનવે જેવા ટૂલ્સથી શાનદાર તસવીરો અને વીડિયો તૈયાર કર્યા.
ગ્રાહક સેવા: ElevenLabs દ્વારા AI વૉઇસ સિસ્ટમ બનાવી છે. ગેલગરે પોતાના અવાજનો AI ક્લોન પણ બનાવ્યો છે જેથી એપોઇન્ટમેન્ટ જેવા કામ તેમની ગેરહાજરીમાં પણ થતા રહે.
મેનેજમેન્ટ: દવાની ડિલિવરી અને ડોક્ટરોના નેટવર્કનું સંચાલન ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા ઓટોમેટિક થાય છે.
એકમાત્ર કર્મચારી છે ગેલગરનો ભાઈ
આ મલ્ટી-મિલિયન ડોલર કંપનીમાં મેથ્યુ ગેલગર સિવાય માત્ર એક જ કર્મચારી છે, તેમનો નાનો ભાઈ એલિયટ. એલિયટનું કામ કોઈ મેનેજર જેવું નથી, પરંતુ એક ‘ફિલ્ટર’ જેવું છે. તેઓ મેથ્યુ સુધી પહોંચતા બિનજરૂરી કોલ્સ અને મેસેજને રોકે છે જેથી મેથ્યુનું પૂરું ધ્યાન બિઝનેસની રણનીતિ પર રહે.
આજે મેડવી દરરોજ 30 લાખ ડોલર (આશરે 28 કરોડ રૂપિયા) ની કમાણી કરી રહી છે. પરંતુ ગેલગર આ સંપત્તિ માત્ર પોતાના માટે નથી રાખી રહ્યા. તેઓ નફાનો એક મોટો હિસ્સો ઘરવિહોણા યુવાનોની મદદ અને પ્રાણી કલ્યાણ માટે દાન કરી દે છે. આ સફળતા પાછળ તેમની અપાર કાર્યદક્ષતા અને ઊર્જા રહેલી છે.


