
દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક નાગરિકો ઉપર હુમલા અને કાશ્મીરી પંડિતોને ફરીથી નિશાન બનાવવાની ઘટનાને પગલે 115 કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું છે. આ તમામ કાશ્મીરી પંડિતો પોતાના પરિવાર સાથે જમ્મુ ચાલ્યાં ગયા છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિત કાશ્મીર છોડીને જમ્મુ ચાલ્યાં ગયા છે. આ તમામ સરકારી કર્મચારી છે. સરકારે કહ્યું કે, શિયાળાની શરૂઆત સામે સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ કાશ્મીરથી પલાયન થઈને સરકારી કામકાજ, અભ્યાસ અને અન્ય કારણોસર જમ્મુ રહે છે.
જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનની અસર જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી તથા આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 2018 બાદ ઘુસણખોરી અને આતંકવાદની ઘટનામાં ઓછી બની છે. આંકડા અનુસાર વર્ષ 2018માં ઘુસણખોરીની કુલ 143 ઘટના બની હતી. જ્યારે નવેમ્બર સુધી માત્ર 28 ઘટના નોંધાઈ હતી. ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર 2018માં 417 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે 21મી નવેમ્બર સુધીમાં 244 ઘટનાઓ નોંધાઈ છે. આ ઉપરાંત ઓક્ટોબર 2020થી ઓક્ટોબર 2021 સધી સુરક્ષાદળોના 32 અને જમ્મુ-કાશ્મીર પોલીસના 19 જવાનોએ અલગ-અલગ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ડામવા માટે સુરક્ષા જવાનોએ અભિયાન શરૂ કર્યું છે. આ ઉપરાંત અલગાવવાદી નેતાઓની સંપતિની પણ તપાસ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા દળોની સાથે એનઆઈએ જેવી સુરક્ષા એજન્સીઓએ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને અને ફંડીંગને લઈને તપાસ કરવામાં આવી રહી છે.