
ગુજરાતમાં માઈન્સમાં પાણી ભરાતા લિગ્નાઈટનું ઉત્પાદનમાં ઘટાડો, અનેક એકમોને પડ્યો ફટકો
અમદાવાદઃ ગુજરાતમાં કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી લિગ્નાઈટના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)ની લિગ્નાઇટ માઇન્સમાં ભારે વરસાદને કારણે કામકાજ ઠપ થઈ ગયું છે. આથી હાલ ગુજરાતના સંખ્યાબંધ એકમો લિગ્નાઇટની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. આવા એકમોમાં ખાસ કરીને ટેક્સટાઇલ, કેમિકલ અને એન્જિનીયરીંગ એકમોનો સમાવેશ થાય છે.
ગુજરાત ચેમ્બર્સ અૉફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના સૂત્રોએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જીએમડીસીની તમામ લિગ્નાઇટની ખાણો પાણી ભરાવાને બંધ થઇ છે. તેના કારણે લિગ્નાઈટની અછત સર્જાઇ છે. ગુજરાતમાં લિગ્નાઇટનો ઉપયોગ કરતા આશરે 5,000 એકમો છે તેમાંથી એકાદ હજાર એકમો તો અમદાવાદમાં છે. આયાતી લિગ્નાઇટ ઓછો આવતો હોવાથી એકમોને સ્થાનિક લિગ્નાઇટ પર જ આધારિત રાખવા પડે છે. મોટી કંપનીઓ લિગ્નાઇટનો સ્ટોરેજ ધરાવતા હોય છે પરંતુ તે પણ ત્રણ ચાર દિવસ ચાલે એટલો જ હોય છે. પરંતુ નાના એકમો આ શક્ય નહી હોવાથી તેમને વધુ મુશ્કેલી પડે છે. ધારણા કરતા વધુ સમય માટે લિગ્નાઈટની ખાણો બંધ રહેતા ઉદ્યોગિક એકમો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, લિગ્નાઇટનો ઉપયોગ ખાસ કરીને બળતણ તરીકે ઉપયોગ થાય છે.જીએમડીસી હાલમાં કચ્છ, દક્ષિણ ગુજરાત, સુરત અને ભાવનગર રિજીયનમાં લિગ્નાઇટની ખાણો ધરાવે છે.જીએમડીસીના સૂત્રોના કહેવા મુજબ સામાન્ય રીતે દર ચોમાસામાં માઇનીંગ ધીમુ પડી જાય છે, પરંતુ ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ઓછી માત્રામાં માઇનીંગ થઈ રહ્યું છે અને ડીસ્પેચ પણ અટકી ગયુ છે. જેવી પરિસ્થિતિ સુધરશે કે તરત જ સપ્લાય શરૂ કરી દેવાશે
અમદાવાદ ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક ધોરણે લિગ્નાઇટ મળતો નહી હોવાથી હાલ ઉંચા ભાવ આપીને આયાતી લિગ્નાઇટનો ઉપયોગ કરવો પડે છે. અમદાવાદમાં હાલમાં આશરે 1200 જેટલા પ્રોસેસ હાઉસો છે. જે પહેલાથી જ ગ્રે કાપડના ઓછો સપ્લાયનો સામનો કરી રહ્યા હતા. હવે ઉપરથી લિગ્નાઇટનો અવરોધ એકંદરે મુશ્કેલીમાં વધારો કરશે.