
‘મન કી બાતે’ સ્વચ્છતા-રમકડાં જેવાં અનેક અભિયાનોને વેગ આપ્યો છે: રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’એ આજે 100 ઍપિસોડ પૂર્ણ કર્યા હતા. આ પ્રસંગે સુરતના ઇચ્છાપોરમાં હીરા બુર્સ ખાતે કેન્દ્રીય રેલવે અને ટેક્સ્ટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે સુરતના ચાર પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને અગ્રણી રમતવીરોના પરિવારજનો-દિવ્યાંગ બાળકો સાથે ‘મન કી બાત’નો 100મો ઍપિસોડ સાંભળ્યો હતો.
કેન્દ્રીય મંત્રી જરદોશે સુરતના અગ્રણીઓ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયેલા સર્વ યઝદીભાઇ કરંઝિયા, કનુભાઇ ટેલર, મથુરભાઇ સવાણી અને સવજીભાઇ ધોળકિયા તેમજ સુરતના અગ્રણી રમતવીરોને સન્માનિત કર્યા હતા.
જરદોશે તેમનાં સંબોધનમાં કહ્યું કે આજનો આ અવસર ઐતિહાસિક છે. વડાપ્રધાનનો ‘મન કી બાત’ કાર્યક્રમ 100 કરોડ લોકોએ સાંભળ્યો છે. 94 ટકા લોકો તેનાથી વાકેફ છે અને લોકોનાં જીવનધોરણમાં ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રની મહિલા કારીગરોનાં જીવનમાં પરિવર્તન આવ્યું છે. મન કી બાતે અનેક લોકોને પ્રોત્સાહિત કર્યા છે. સ્વચ્છતા અભિયાન, સ્વદેશી રમકડાં જેવાં અનેક અભિયાનોને વેગ આપવાનું કામ ‘મન કી બાતે’ કર્યું છે.
પદ્મશ્રી અને ખુદ પોતે દિવ્યાંગ એવા કનુભાઇ ટેલરે કહ્યું કે વડાપ્રધાન મોદીએ વિકલાંગોને આ કાર્યક્રમ થકી ‘દિવ્યાંગ’ શબ્દ આપીને દિવ્યાંગોને એક નવી ગરિમા આપી છે, એ માટે એમનો આભાર માનીએ એટલો ઓછો છે. અન્ય પદ્મશ્રી અને નાટ્યકાર યઝદીભાઇ કરંજિયાએ કહ્યું કે વડાપ્રધાન મોદી એટલા માટે વંદનીય છે કેમ કે તેઓ સફળની સાથે સરળ છે, તેઓ એવું વ્યક્તિત્વ છે જેનાથી ખુરશીની શોભા વધે છે.
આ પ્રસંગે હીરા ઉદ્યોગના અગ્રણીઓ, વેપાર જગતના પ્રતિનિધિઓ, દિવ્યાંગ બાળકો સહિત અંદાજે 3500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી જરદોશ સાથે બેસીને ‘મન કી બાત’ કાર્યક્રમ ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો.