દિલ્હીઃ કોવિડ-19ની પહેલી લહેરથી બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. તેમજ આ બીજી લહેરે ભારતીય અર્થવ્યવસ્થાને અસ્ત-વ્યસ્ત કરી નાખી છે. સેન્ટર ફોર ઈન્ડિયન ઈકોનોમીના આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં એક કરોડથી વધારે લોકોએ રોજગારી ગુમાવી છે.
સેન્ટર ફોર ઈન્ડિયન ઈકોનોમીના મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર મે મહિનામાં બેરોજગારીનો દર 12 ટકા સુધી પહોંચ્યો છે. જે એપ્રિલ મહિનામાં માત્ર 8 ટકા હતો. આ દરમિયાન લગભગ 1 કરોડથી વધારે લોકો બેરોજગાર થયાં છે. જેનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર છે. રાષ્ટ્રવ્યાપી બેરોજગાર દર 11.90 ટકા છે. શહેરી બેરોજગાર દર 14.73 ટકા અને ગ્રામીણ બેરોજગાર દર 10.63 ટકા નોંધાયો છે. આર્થિક ગતિવિધીઓ હવે ધીમે-ધીમે શરૂ થઈ છે. જેથી સમસ્યાઓ ઓછી થશે. જો કે, તેનાથી થયેલુ ભારે નુકસાનની ભરપાઈ જલ્દી નહીં થાય. જે લોકોનો નોકરી ગઈ છે તેમને ફરીથી રોજગાર શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ઈન્ફોર્મલ સેકટરમાં કેટલાક ટકા રિવકરી થઈ છે. જો કે, ફોર્મલ સેક્ટર તથા સારી નોકરીમાં થોડો સમય લાગશે.
- મે 2020માં બેરોજગારી દર 23.5 ટકા હતો
કોરોનાની પ્રથમ લહેર દરમિયાન મે 2020માં બેરોજગારી દર 23.5 ટકા સુધી પહોંચ્યો હતો. તે સમયે સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો હતો. જો કે, આ વર્ષે રાજ્ય સરકારે પોતાની રીતે નિયંત્રણો લાદયાં હતા. જો બેરોજગારી દર 3-4 ટકા સુધી રહે તો આ ભારતીય અર્થતંત્ર માટે સામાન્ય ગણી શકાય.
- કોરોનાકાળમાં લગભગ 97 ટકા પરિવારોની આવક ઘટી
સીએમઆઈઈ દ્વારા લગભગ 17.5 લાખ પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પરિવારની આવક લઈને માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ સર્વેમાં કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 97 ટકા પરિવારની આવક ઘટી હોવાનું સામે આવ્યું છે.