
યુપી ચૂંટણી 2022: આગામી 5 જાન્યુઆરીના રોજ તારીખો જાહેર થશે, 800 મહિલા મતદાન મથકો હશે
- આગામી વર્ષે યુપી વિધાનસભા ચૂંટણી
- આ દરમિયાન 800 જેટલા મહિલા મતદાન મથકો હશે
- 5 જાન્યુઆરીના રોજ તારીખો થશે જાહેર
નવી દિલ્હી: આગામી વર્ષે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી થવા જઇ રહી છે ત્યારે ચૂંટણી પંચે આજે ચૂંટણીને લઇને કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી.
ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, ઉત્તરપ્રદેશના તમામ પક્ષોએ તેઓને સમયાનુસાર ચૂંટણી યોજવા માટે વિનંતી કરી છે.
દેશમાં ઓમિક્રોનનું પ્રસરણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. કેસ વધી રહ્યા છે. એવામાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણીનું આયોજન એ એક કપરો નિર્ણય કહેવાય જો કે હવે ઉત્તરપ્રદેશમાં તો ચૂંટણી આગામી વર્ષે જ યોજાશે તે તો નક્કી થઇ ગયું છે.
લખનૌમાં થયેલી ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચીફ ઇલેક્શન કમિશનરે કેટલાક નિર્દેશો આપ્યા હતા.
આ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. જેમ કે કોવિડ પ્રોટોકોલ સાથે જ ચૂંટણી યોજાય. રેલીઓની સંખ્યા અને તેમાં લોકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવે. દિવ્યાંગો અને 80 વર્ષ સુધીના વયોવૃદ્વને મતદાન માટે ઘરે જ મતદાન કરવાની તક સાંપડે.
ચૂંટણી પંચ અનુસાર મતદાર નોંધણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ઘણી મહેનત બાદ તે તૈયાર થશે અને 5 જાન્યુઆરીના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિદ્વ કરવામાં આવશે.
મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો અત્યારસુધીમાં 15 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે. જેમાં 23.9 લાખ પુરુષ તેમજ 28.8 લાખ મહિલા મતદારો છે. 52.8 લાખ નવા મતદારો પણ ઉમેરાયા છે. તેમાંથી 19.89 લાખ યુવા મતદારો એટલે કે તેમની ઉંમર 18-19 વર્ષની છે. વર્ષ 2017માં લિંગ ગુણોત્તર 839 હતો એટલે કે 1000 પુરુષો પર 839 મહિલા મતદારો હતા.
નોંધનીય છે કે, આ વખતે ઓછામાં ઓછા 800 મહિલા મતદાન મથકો બનાવવામાં આવશે. જ્યાં માત્ર મહિલા મતદાન અધિકારીઓ હશે. EPIC કાર્ડ ઉપરાંત મતદારન અન્ય 11 દસ્તાવેજો બતાવીને પોતાનો મત આપી શકે છે.