
ઓનલાઇન સેમિનાર પહેલાં લેવી પડશે મંજૂરી, આંતરિક મુદ્દાઓથી જોડાયેલ કોઈ બાબત છે, તો રાખવી પડશે આ કાળજી
- ઓનલાઇન સેમિનાર યોજતા પહેલા સંબંધિત મંત્રાલય પાસેથી લેવી પડશે મંજૂરી
- વિદેશ મંત્રાલય દ્વારા આ પ્રકારના આયોજન માટે નવી માર્ગદર્શિકા જારી
વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સંમેલનો, પ્રશિક્ષણો અને સેમિનારોનું ઓનલાઈન આયોજન કરતા પહેલા સરકારની મંજૂરી ફરજિયાત કરી દીધી છે. આ સાથે જ ભારતની સુરક્ષા,પૂર્વી રાજ્યો,જમ્મુ-કાશ્મીર,લદ્દાખ કે દેશના આંતરિક બાબતોથી જોડાયેલ કોઈ અન્ય વિષયો પર આ પ્રકારના આયોજન પર રોક લગાવી દીધી છે.
વિદેશ મંત્રાલય દ્વારા આ પ્રકારના આયોજન માટે નવી માર્ગદર્શિકા સરકારી મંત્રાલયો, વિભાગો, જાહેર ક્ષેત્રની ઉપક્રમો, સરકારી યુનિવર્સિટીઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ સંસ્થાઓને લાગુ પડશે. નવેમ્બર મહિનામાં જારી કરવામાં આવેલા મેમોરેન્ડમ મુજબ સંબંધિત મંત્રાલયને મંજૂરી આપતી વખતે સુનિશ્ચિત થવું જોઈએ કે, ઓનલાઇન ઇવેન્ટમાં આ બાબત રાજ્યની સુરક્ષા, ઉત્તર-પૂર્વ રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કોઈ પણ પ્રકારે આંતરિક સુરક્ષા સાથે સંબંધિત ન હોય.
નવી મંજૂરી પ્રક્રિયા અંગે શૈક્ષણિક સમુદાય ચિંતિત છે. આઈઆઈટીના ડિરેક્ટરએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, પરવાનગી માટે સરકારને પત્ર લખવામાં કોઈ મુશ્કેલી નથી. ઓફલાઇન સંમેલનોમાં આમ પણ વિદેશી સ્પીકર્સના વિઝા માટે વિદેશ મંત્રાલયને પત્ર લખતા હતા. સમસ્યા એ છે કે, સરકારી પ્રક્રિયાઓ સમય લે છે. જો હવે અમે ઓનલાઇન સંમેલનો માટે મંજૂરી માંગીએ, તો તે વધુ વિલંબિત થશે. હવે ઓનલાઇન સંમેલનોનું આયોજન કરવું ખૂબ મુશ્કેલ હશે.
વર્ચુઅલ ઇવેન્ટના આયોજકોએ હવે વિષય અને સહભાગીઓની સૂચિ સાથે સંબંધિત વહીવટી સચિવનો સંપર્ક કરવો પડશે. ઉદાહરણ તરીકે, કેન્દ્રીય યુનિવર્સિટીમાં ઓનલાઇન આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવા માટે પ્રથમ શિક્ષણ મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડશે. પરંતુ હવે સુરક્ષા અને આંતરિક બાબતોના મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સંમેલન થશે નહીં.
ગૃહ મંત્રાલયે ગયા વર્ષે એપ્રિલમાં એક એડવાઇઝરી જારી કરી હતી, જેમાં કહ્યું હતું કે, વીડીયો કોન્ફરન્સ એપ ઝૂમ સુરક્ષિત મંચ નથી. ત્યારથી સરકારી અધિકારીઓ ઝૂમ એપ પર યોજાયેલી મીટિંગોને ટાળી રહ્યા છે. તેમ છતાં વિદેશ મંત્રાલયે જારી કરેલી સૂચનાઓ ઓનલાઇન સંમેલન માટે છે, તેમાં કોઈ અલગ પ્લેટફોર્મનો ઉલ્લેખ નથી.
(દેવાંશી)