
- મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર બોમ્બની ધમકી
- જો કે બાદમાં શોધખોળમાં થયો ચોંકાવનારો ખુલાસો
- આ માત્ર એક અફવા નીકળી
નવી દિલ્હી: મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટનો ખતરો હોવાનો એક કોલ કોઇ અજાણ્યા શખ્સે બાંદ્રા રેલવે સ્ટેશનની પોલીસને કર્યો હતો. આ કોલ બાદ ખળભળાટ મચી ગયો હતો. આ અજાણ્યા કોલો બાદ ગભરાટ ફેલાયો હતો. જો કે કોલની ગંભીરતા સમજીને રેલવે પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને શોધખોળ કરતા આ માત્ર એક અફવા હોવાનું બહાર આવ્યું હતું.
બોમ્બ વિસ્ફોટની ધમકી આપનારને રેલવે પોલીસે ઝડપી લીધો છે. બોમ્બ વિસ્ફોટની ધમકી અંગે કરવામાં આવેલ ફોન પણ અફવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ કૉલ કરનાર શખ્સ દુબઇનો રહેવાસી છે અને તે તેની માતા સાથે દુબઇમાં જ રહે છે.
મુંબઇ રેલવે પોલીસે શોધખોળ દરમિયાન ફોન કરનાર શખ્સના સંબંધીઓ સાથે પણ વાત કરી હતી. અત્યારસુધીની વાતમાં એ માલુમ પડ્યું છે કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ છે. ફોન કરનાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કોઇ તથ્ય જોવા મળ્યું નથી. તેને આવા કોલ કરવાની આદત છે. જો કે હાલમાં સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.
શનિવારે સાંજે આવેલા આ કોલથી ખળભળાટ મચી ગયો હતો. તેમાં આ વ્યક્તિએ મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટની આશંકા વ્યક્ત કરી હતી. જેના કારણે વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને વધુ વધારવામાં આવી હતી. જો કે બાદમાં આ માત્ર અફવા હોવાનું માલુમ પડ્યું હતું.