
- વોટ્સએપે ભારત સરકાર સામે કર્યો કેસ
- વોટ્સએપની દલીલ કે ભારત સરકારના નવા નિયમોથી પ્રાઇવસી ખતમ થઇ જશે
- આ નિયમોથી સંવિધાનમાં મળેલાં અધિકારોનું ઉલ્લંઘન: વોટ્સએપ
નવી દિલ્હી: ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે કડક વલણ અખત્યાર કર્યું છે ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપએ ભારત સરકારની વિરુદ્વ દિલ્હીમાં એક કેસ દાખલ કરાવ્યો છે. જેમાં ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમો પર રોક લગાવવા માટેની માંગ કરવામાં આવી છે. સૂત્રોનુસાર કંપનીએ કોર્ટમાં એવી દલીલ રજૂ કરી છે કે, ભારત સરકારે જાહેર કરેલાં નવા નિયમોથી પ્રાઇવસી જ ખતમ થઇ જશે.
રોયટર્સના હવાલાથી સમાચાર મળ્યા છે કે દિલ્હી હાઇકોર્ટમાં કરાયેલી એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારના નિયમો સંવિધાનથી વિરુદ્વ છે. આ નિયમોથી સંવિધાનમાં મળેલાં અધિકારોનું ઉલ્લંઘન થાય છે.
બીજી તરફ કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, વોટ્સએપ માત્ર આ પ્લેટફોર્મનો દૂરુપયોગ કરતા લોકો પર નિયમન ઇચ્છે છે. સાથે જ એવી પણ દલીલ કરાઇ છે કે, વોટ્સએપ મેસેજ ઇન્ક્રિપ્ટ કરવામાં આવેલાં છે. એવામાં લોકોના ચેટિંગ પર નજર રાખવી અને તેને ટ્રેસ કરવું યોગ્ય નથી. આનાથી યૂઝર્સની ગોપનીયતા જ ખતમ થઇ જશે.
હાલમાં દિલ્હી હાઇકોર્ટમાં આ ફરિયાદની સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કે કંપનીના પ્રવક્તાએ આ મામલે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો છે. આપને જણાવી દઇએ કે ભારતમાં વોટ્સએપના 40 કરોડ યૂઝર્સ છે.
આ અરજી બાદ સરકાર અને સોશિયલ મીડિયા કંપનીઓ વચ્ચેનો વિવાદ વધ્યો છે. ભારતમાં આ કંપનીઓનો બિઝનેસ મોટો છે. કરોડો લોકો આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે.
નોંધનીય છે કે, સરકારે ટેક કંપનીઓને કોરોના સંબંધિત ભ્રામક માહિતી પણ સાઈટ પરથી હટાવી દેવાની સુચના આપી છે. ત્યાર પછી આરોપ લગાવવામાં આવ્યો છેકે, સરકાર પોતાની આલોચના સાથે જોડાયેલી જાણકારી છુપાવી રહી છે.