
NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ગુજરાત ભાજપના સાંસદોને મળ્યા
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે એનડીએ-ભાજપાના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષના ઉમેદવાર નિવૃત્ત ન્યાયમૂર્તિ બી.સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. તેમજ એનડીએ અને વિપક્ષ દ્વારા પોત-પોતાના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવી રહ્યાં છે. દરમિયાન એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ગુજરાત ભાજપના સાંસદોને મળ્યાં હતા. તેમજ તેમની સાથે સંવાદ કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ પદથી જગદીપ ધનખડએ રાજીનામુ આપતા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ચૂંટણીપંચ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી. તા. 9મી સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે. એટલું જ નહીં એ જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સભ્યો મતદાન કરશે. ભાજપ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ બી સુદર્શન રેડ્ડીની પસંદગી કરવામાં આવી હતી. ભાજપાના ઉમેદવાર રાધાકૃષ્ણનને એનડીએની સભ્ય પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે. તેમજ બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. દરમિયાન નવી દિલ્હીમાં ભાજપા-એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન રાજ્યસભા અને લોકસભાના ગુજરાતના સભ્યોને મળ્યા હતા. તેમજ ગુજરાત ભાજપના સાંસદો સાથે વાર્તાલાપ કર્યો હતો.