નવી દિલ્હીઃ કોરોના કાળમાં પણ સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. નિષ્ણાંતોના મતે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્રોમાં સૌથી ઝડપથી આગળ વધતું દેખાઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર પાટા પર હોવાના સંકેત મળ્યા છે. હાલ તે 10 ટકાના દરે આગળ વધી રહ્યું છે. બ્લૂમબર્ગે કુલ 12 અનુમાનોના આધારે આ દાવો કર્યો હતો.
અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં જીડીપીમાં 1 ટકાનો વધારો થયો હતો. રાજ્યોમાં અનલૉક અને ગ્રાહકોના ખર્ચના ટ્રેન્ડ પરથી અર્થતંત્રમાં રિકવરી નક્કી થશે. આવું ગયા વર્ષે પણ થયું હતું. ત્યારે મોબાઈલ ફોનથી લઈને કાર જેવા ઉત્પાદનોની માંગમાં જોરદાર વધારો થયો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રમાં રિકવરીને હળવાશથી નહીં લેવાની સલાહ આપી હતી. તેમણે રાજકીય, વાણિજ્ય અને સ્થાનિક પ્રતિબંધોની સલાહનો આધાર બનાવ્યો હતો.
પેરિસના આર્થિક સહકાર અને વિકાસ સંગઠને પણ કહ્યું હતું કે, માર્ચમાં ભારતનો વિકાસ દર 12.6 ટકા થઈ જશે. જોકે, હવે તેમણે આ દરનું અનુમાન 9.9 ટકા કર્યું છે. ક્વાંટઈકો રિસર્ચના અર્થશાસ્ત્રી યુવિકા સિંઘલે કહ્યું હતું કે, હાલ કોરોના કાળમાં પરિવારો ખર્ચ કરવાના બદલે બચત કરી રહ્યા છે, પરંતુ વિકાસ દર 10 ટકા સુધી રહી શકે છે. અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તા કહ્યું હતું કે, ગયા મહિને રાજ્યોના સ્તરે લૉકડાઉન લંબાતા આ અનુમાનો પ્રભાવિત થયાં છે. અનલૉક થયા પછી લોકો આર્થિક અનિશ્ચિતતા અને બેકારીના કારણે ખૂલીને ખર્ચ નહીં કરે.
બાર્કલેના અર્થશાસ્ત્રી રાહુલ બાજોરિયાએ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર કાબૂમાં આવતા આર્થિક સુધારાની અપેક્ષા વધી જશે. જોકે, રસીકરણ અને અનલૉકની ધીમી ગતિની અસરથી અર્થતંત્ર સુધારાની ગતિ પકડશે. જોકે, કોરોનાની ત્રીજી લહેર આવશે તો વિકાસ દર ઘટીને 7.7 ટકા થઈ શકે છે.