
અમદાવાદઃ વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં રાષ્ટ્રીયકક્ષાના ખેલાડીને વૃત્તિકા સહાય આપવાની યોજના સંદર્ભે પૂછાયેલાં પ્રશ્નનો જવાબ આપતા રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, સર્વાંગી વિકાસ પામેલું ગુજરાત રમતગમત ક્ષેત્રે વિશ્વનું રોલ મોડેલ બનશે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રકક્ષાએ ભાગ લેતા ખેલાડીઓને વાર્ષિક રૂ. 2000 વૃતિકા સહાય આપવાની યોજના અમલમાં છે. રાજ્યના ખેલાડી પોતાની પ્રતિભા કૌશલ્ય ઉપસાવી વૈશ્વિક સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરે તે હેતુથી ખેલાડીઓ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, શક્તિદૂત યોજના વર્ષ-2006માં રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની જરૂરિયાત આધારિત સુવિધાઓ જેવી કે રમતગમતના આધુનિક સાધનો, કોચિંગ, નિષ્ણાત પ્રશિક્ષકોની સેવાઓ, તાલીમ, સ્પર્ધા ખર્ચ, મનોવૈજ્ઞાનિક વર્કશોપ માટે નાણાકીય સહાય આપવા, સ્પોર્ટ્સ મેડિસિન અને અન્ય સુવિધાઓ માટે અમલમાં મૂકવામાં આવી હતી. પ્રતિ ખેલાડીને વાર્ષિક રૂ. 25 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવતી હોય છે. તમામ શક્તિદૂત ખેલાડીઓનો મેડિક્લેમ અને આકસ્મિક મૃત્યુ પોલિસી સાથે વીમો લેવામાં આવે છે.
મંત્રી હર્ષ સંઘવીએ ખેલમહાકુંભ વિશે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો આપેલો વિચાર આજે વટવૃક્ષ બન્યો છે. વર્ષ-2010માં 16 ખેલ, 13 લાખ ખેલાડીઓ સાથે થયેલી શરૂઆત વર્ષ-2019માં 40 લાખ ખેલાડીઓની ભાગીદારી અને 36 સ્પોર્ટ્સ, 26 પેરા-સ્પોર્ટ્સ બાદ હવે આ સંખ્યા 55 લાખ ખેલાડીઓ ઉપર પહોંચી ગઈ છે. ખેલમહાકુંભ જેવા આયોજનમાંથી નીકળતા યુવાઓ એશિયન-ઓલેમ્પિક-કોમનવેલ્થ જેવા રમતોત્સવમાં ગુજરાત અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
મંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય દ્વારા પૂછાયેલાં પૂરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેવાડાના માનવીએ રમતગમત ક્ષેત્રે વૈશ્વિકસ્તરે સિદ્ધિ હાંસલ કરી રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાં સ્પોર્ટ્સની ઇકો-સિસ્ટમને વધુ વ્યાપક બનાવવા માટે તાલુકા અને જિલ્લાસ્તરે સ્પોર્ટ્સ સંકુલ બનાવાઈ રહ્યાં છે. ગુજરાતમાં વર્ષ 2002 પહેલા માત્ર 3 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હતા, જેની સંખ્યા આજે 24એ પહોંચી છે. તેમણે રાજ્યમાં 44 સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું.