1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિવરાત્રિએ સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક ખૂલ્લું રહેશે, પાર્થિવ શિવલિંગ મહાપૂજા યોજાશે
શિવરાત્રિએ સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક ખૂલ્લું રહેશે, પાર્થિવ શિવલિંગ મહાપૂજા યોજાશે

શિવરાત્રિએ સોમનાથ મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક ખૂલ્લું રહેશે, પાર્થિવ શિવલિંગ મહાપૂજા યોજાશે

0
Social Share

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધાતા હોય છે. ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલખીયાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ  સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ પર સોમેશ્વર મહાપૂજા પીઠિકામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર જ મહાશિવરાત્રીની રાત્રિ પર ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ.મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. ત્યારે આવનારી મહાશિવરાત્રી પર તા 08 માર્ચ 2024 ના રોજ  સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા કરાવવામાં આવશે. આ પૂજા ગત મહાશિવરાત્રીના પર્વ પર  સોમનાથ ટ્રસ્ટ દ્વારા 250 પરિવારોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં પ્રોમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે કરાવવામાં આવી હતી. જેમાં આકાશ, અગ્નિ, જલ, પૃથ્વી, અને હવા એમ પંચ મહાભૂતની પૂજા સાથે અભિમંત્રિત માટી દ્વારા નિર્મિત પાર્થિવ શિવલિંગ દ્વારા ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી. જે ભક્તો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ વર્ષે શ્રદ્ધાળુઓની લાગણીઓને ધ્યાને લઈ વધુ ભવ્યતા સાથે એક સ્તર ઉપર જઈને આ વર્ષે હજારો ભકતોને પૂજાનો લાભ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે તા.08/03/2024 ના રોજ સવારે 08:00 થી 09:00 વાગ્યે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ વિશેષ પૂજાનું સુંદર આયોજન કરાશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના ઐતિહાસિક મહાત્મ્યને સંગીતમય શૈલીમાં શ્રદ્ધાળુઓ સમક્ષ પ્રસ્તુત કરતી જયતું સોમનાથ સંગીત નાટીકા સુપ્રસિદ્ધ ગાયક હેમંત જોષી અને 100 થી વધુ કલાકારો દ્વારા ભોળાનાથના ભજન અને સંગીત આરાધના સાથે પ્રસ્તુત કરવામાં આવશે. તેમજ મહાશિવરાત્રીના પાવન પર્વ પર  સોમનાથ મહાદેવને લાખો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code