
તરણેતરના મેળામાં બીજા દિવસે પણ વરસાદનું ગ્રહણ નડ્યું, મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ કેન્સલ કરાયો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકના સુપ્રસિદ્ધ ગણાતા તરણેતરના ભાતીગળ લોક મેળામાં પ્રથમ દિવસથી વરસાદ વિધ્ન બન્યો છે. મેળાના બીજા દિવસે પણ સમયાંતરે વરસાદના ઝાપટાં પડતા અને તેના લીધે કાદવ-કીચડ થતાં લોકોમાં મેળાનો ઉત્સાહ ઘટી ગયો હતો. અને તરણેતરના મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ પણ કેન્સલ થયો હતો. લોકમેળામાં ચકડોળ સહિત વિવિધ સ્ટોલ ધારકો પણ લમણે હાથ દઈને બેસી રહેલા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ તો આસ્થાભેર ત્રિનેત્રશ્વર મહાદેવના દર્શન કરવાની સાથે કુડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
સુરેન્દ્રનગરના થાન નજીક તરણેતરના ભાતીગળ લોકમેળામાં ભારે વરસાદના પગલે પ્રથમ દિવસે મેળામાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાનો કાર્યક્રમ રદ થયા બાદ મેળાના બીજા દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કાર્યક્રમ પણ રદ થતાં લોકો નિરાશ થયા હતા. મેળાના બીજા દિવસે પણ સતત વરસાદ ચાલુ રહેતા મેળાની મોજ માણવા આવેલા લોકો પણ પાંખી હાજરીના કારણે નિરાશ થયા હતા. જ્યારે સતત બીજા દિવસે પણ વરસાદના પગલે મેળામાં ચકડોળ સહિત વિવિધ સ્ટોલ ધારકો પણ લમણે હાથ દઈને બેસી રહ્યા હતા. અને ચારેબાજુ પારાવાર ગંદકીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.મંગળવારે સવારે 8થી 10 વાગ્યાના સમયગાળામા થાન પંથકમાં 20 મીમી એટલે કે, પોણો ઇંચથી પણ વધારે વરસાદ ખાબકતા મેળામાં ઠેર ઠેર કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે.
ગણેશ ચર્તુથીના પવિત્ર દિને સવારે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા દ્વારા ધ્વજાનું પૂજન-અર્ચન બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે મહંત. નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી આશિવર્ચન પાઠવ્યા હતા. ધ્વજારોહણના આ પ્રસંગે ધાર્મિક જગ્યાના સંતો, મહંતો અને સમાજ અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મંગળવારે તરણેતરના મેળાની મુલાકાત લીધી હતી. મંત્રીએ પશુ પ્રદર્શનની મુલાકાત લીધા બાદ તરણેતરના ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે મંત્રીએ ભોળાનાથનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કરતા પ્રજાજનોની જનસુખાકારીની પ્રાર્થના કરી હતી.નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, લિંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના મહાનુભાવોએ પણ મંત્રીની સાથે ભગવાન શિવના દર્શનનો લાભ મેળવ્યો હતો..