
વડોદરામાં અકોટા બ્રિજ પર કારચાલકે સ્કુટરને ટક્કર માર્યા બાદ ત્રણને અડફેટે લેતા એકનું મોત
વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વડોદરા શહેરમાં આકોટા બ્રિજ પર કારચાલક નબીરાએ પૂરઝડપે કાર દોડાવતા બે સ્કુટરને ટક્કર માર્યા બાદ રાત્રે બ્રિજની પાળી પર ઠંડક મેળવવા માટે બેઠેલા ત્રણ જણાને પણ અડફેટે લીધા હતા. જેમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે બે યુવતીને ઈજાઓ થઈ હતી.
આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે કારચાલક નબીરાએ બે એક્ટિવાને અડફેટે લીધા બાદ બ્રિજની સાઈડમાં બેઠેલાં યુવક અને યુવતીઓને અડફેટે લીધી હતી. જેમાં MBAનો અભ્યાસ કરતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ અકસ્માતે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા તથ્યકાંડની યાદ તાજી કરાવી હતી. તથ્યને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં તેમ આ ઘટનામાં પણ કારચાલક નબીરાને બચાવવા તેનાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. મૃતક યુવક અને ઇજાગ્રસ્ત બન્ને યુવતી પારૂલ યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર સર્જાયેલા અકસ્માત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારચાલક નબીરા સામે આઈપીસી કલમ 304 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ આરોપીની કારમાંથી નશાકારક પ્રવાહી ભરેલી બોટલ મળી આવી હતી. તે બાબતે પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહિમાં એફએસએલની ટીમને બોલાવી અન્ય નાની-નાની નાશકારક બોટલો અંગે સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં કઈ આવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કારચાલકે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ નશો ન કર્યો હોવાનું સામે આવ્યું છે. તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમાં કઈ જાણવા મળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવી છે અકસ્માતના આ બનાવમાં 24 વર્ષીય આકાશ રાકેશભાઈ ચોબલે (રહે, વાઘોડિયા રોડ, મૂળ કચ્છ, હાલ પરિવાર રાજસ્થાન રહે છે)નું ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવમાં અન્ય બે યુવતી આસ્થા પરીખ અને પ્રીતિ શર્માને પણ ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માત કરનારો કલ્પ કનક પંડ્યા અને તેની ફિયાન્સીની હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની જાણ છતાં ડીસીપી લીના પાટીલ સહિત અકોટા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારચાલકની અટકાયત કરી હતી. અકોટા પીઆઈ વાય.જી. મકવાણાએ જણાવ્યું હતું કે, કારચાલકની અટકાયત કરી છે. કારમાંથી પ્લાસ્ટિકની બોટલ મળી છે અને તેમાં નશાયુક્ત પદાર્થ હોવાની આશંકા છે. આ અંગે ટેસ્ટ કર્યા બાદ ગુનો નોંધવામાં આવશે. યુવકનું મોત થયું છે તે MBAમાં અભ્યાસ કરતો હતો.