
ઓનીયન એક્સપોર્ટને મંજુરી મળતા માર્કેટ યાર્ડમાં આવક ઘટી, કિલો ડુંગળીના ભાવ 40ને વટાવી ગયા
સુરતઃ ડુંગળીની નિકાસ પર મહિનાઓ પહેલા પ્રતિબંધ મુકાતા ભાવ ગગડી ગયા હતા. તે સમયે ખેડુતોએ ભારે વિરોધ કર્યો હતો. અને ખેડુતોને નજીવા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભારે વિરોધને પગલે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઊઠાવી લેતા એપીએમસી માર્કેટમાં ડુંગળીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. સુરત એપીએમસી માર્કેટમાં કિલો ડુંગળની ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થતાં ભાવ 40ને વટાવી ગયા છે.
સુરત એપીએમસી માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ દેશભરના એક્સપોટર્સ દ્વારા વધારે પ્રમાણમાં કાંદાનું એક્સપોર્ટ કરવામાં આવતું હતું, જેના કારણે કાંદાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હોવા છતાં ભાવ આસમાને પહોંચી ગયા હતા, જેને કારણે સરકાર દ્વારા કાંદાના એક્સપોર્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે, સરકારના પ્રતિબંધને લઈને ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, ખેડુતોને નજીવા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી હતી. મહિનાઓ બાદ સરકાર દ્વારા કાંદાની નિકાસ માટે ફરી પરવાનગી આપવામાં આવતા ડુંગળીના ભાવમાં વધારો થયો છે. સુરત યાર્ડમાં સામાન્ય દિવસોમાં રોજના સરેરાશ 3 લાખ કિલો કાંદાની આવક થાય છે, પરંતુ નિકાસની પરવાનગી આપ્યા બાદ છેલ્લા ચારેક દિવસથી કાંદાની આવકમાં ઘટાડો નોંધાયો છે. ડુંગળીની આવક હાલમાં અંદાજે 2.64 લાખ કિલો જ આવી રહી છે. એટલે સામાન્ય દિવસોની સરખામણીમાં કાંદાની આવકમાં 36 હજાર કિલો જેટલો ઘટાડો થતો જોવા મળ્યો છે. ડુંગળીની આવકમાં ઘટાડો થતાની સાથે જ ભાવમાં પણ વધારો થયો છે. સામાન્ય દિવસોમાં એક કિલો ડુંગળીની અંદાજીત કિંમત 15 રૂપિયા જેટલી હતી, પરંતુ હાલમાં આવક ઓછી થવાને કારણે દિલો દીઠ ભાવ 40 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
સુરત યાર્ડના સૂત્રોએ કહ્યું હતું કે, જ્યારે સરકાર દ્વારા નિકાસ અટકાવાની જાહેરાત થઈ હતી ત્યારે ડુંગળીના ભાવ એકદમ તળિયે બેસી ગયા હતા, પરંતુ ફરી વાર સરકાર દ્વારા ડુંગળી એક્સપોર્ટ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે, જેને લઈને ફરી ડુંગળીના ભાવમાં વધારો થયો છે. જો કે, સરકાર દ્વારા નિકાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે, જેને કારણે ખેડૂતોને હવે કાંદાના પૂરતા ભાવ મળી રહેશે.