
અમદાવાદઃ શહેરમાં પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશન ટેક્સ લોકો ઘેરબેઠા જ ઓનલાઈન ભરી શકે છે. હવે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે. હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં આવતા વહીવટી ચાર્જની ઓનલાઈન પહોંચ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી એટલે કે, તા.1લી માર્ચથી મ્યુનિ કર્મચારીઓએ જે પણ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવતો હોય તેની ફરજિયાત ઓનલાઈન પહોંચ જ આપવાની રહેશે. નાગરિકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નાગરિકોને વહિવટી ચાર્જ, દંડ-પેનલ્ટી માટે ઓનલાઈન પેમેન્ટ, રસીદની સુવિધા અપાશે. શહેરમાં નાગરિકો, વેપારીઓ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેકવો, પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ, જાહેર રોડ ઉપર દબાણ, ટ્રાફિકને અડચણરૂપ કરવા બદલ વાહનને લોક, રખડતા ઢોર પકડવા તેમજ બિલ્ડરો દ્વારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઉપર રોડ પર મટિરિયલ મૂકી દબાણ કરવું વગેરે નિયમોના ભંગ બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગો દ્વારા વહીવટી ચાર્જ અથવા પેનલ્ટી લેવામાં આવતી હોય છે. એએમસી દ્વારા હવે તમામ વિભાગોના વડાને જાણ કરવામાં આવી છે કે, જે પણ વિભાગ દ્વારા જીપીએમસી એક્ટના ભંગ બદલ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તેઓએ ઓનલાઈન 311 એપ્લિકેશન પર M CHALLANમાં ઓનલાઈન UPI, રોકડ અને ચેક વગેરે મારફતે લેવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જો ઈન્ટરનેટ અથવા ટેકનિકલ એરર હોય તો જ ઓનલાઈન પહોંચ બનાવવાની નહીં રહે. જે પણ વિભાગનાં કર્મચારીઓ નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરતા હોય તેઓને ઓનલાઈન પહોંચ માટે ઇ-ગવર્નન્સ વિભાગ મારફતે M CHALLAN મોડ્યુલમાં વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે. જે પણ ઓનલાઈન પહોંચ મારફતે વહીવટી ચાર્જ વસૂલ કર્યા હોય તેના પૈસા નજીકમાં આવેલા સિવિક સેન્ટરમાં કર્મચારીઓએ જમા કરાવવાના રહેશે. જે ઝોન અને વિભાગમાં ઓનલાઈન પહોંચ બની હોય તેના પૈસા સમયસર સિવિક સેન્ટરમાં જમા થયા છે કે કેમ તે જોવાની જવાબદારી જે-તે ઝોનના અને વિભાગના અધિકારીઓની રહેશે.