
સરદાર સરોવર ડેમમાં 58.23 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધઃ 103 ડેમના તળિયા દેખાયા
ગાંધીનગરઃ રાજ્યમાં ગતવર્ષે સારો વરસાદ પડતા તમામ જળાશયોમાં પાણીની સારીએવી આવક થઈ હતી. પણ હાલ ઉનાળાની ગરમી શરૂ થતા ઘણા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. રાજ્યના જળાશયોમાં કુલ જળસંગ્રહ 50 ટકાથી પણ ઓછો છે. હાલમાં તમામ ડેમોમાં મળીને 49.16 ટકા પાણી છે. સરદાર સરોવરમાં 58.17 ટકા પાણી છે અને સપાટી 123.23 મીટર છે. સરદાર સરોવર સિવાયના જળાશયોમાં પાણીનો જથ્થો 43 ટકા છે. કુલ 206 ડેમમાંથી બે ડેમમાં 90 ટકાથી વધારે પાણી, બે ડેમમાં 80થી 90 ટકા, એક ડેમમાં 70થી 80 ટકા પાણી છે જ્યારે 200 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. 175 ડેમમાં 50 ટકા કરતાં પણ ઓછું જ્યારે 103 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં માત્ર 28 ટકા, કચ્છના જળાશયોમાં 27 ટકા જ પાણી છે.
રાજ્યના સિચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર સરોવર નર્મદા ડેમના વધારાના વહી જતા પાણીથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચાડવામાં 16 વર્ષમાં રૂ. 19307 કરોડનો ખર્ચ થયો છે. એટલે કે છેલ્લા 16 વર્ષમાં દર વર્ષે સરેરાશ 1200 કરોડ રૂપિયા નર્મદાનું પાણી બીજા વિસ્તારોમાં મોકલવા માટે વપરાયા છે. છેલ્લા 3 વર્ષના જળસંપત્તિ વિભાગના બજેટનો આંકડો પણ રૂ. 18871 કરોડ થાય છે. વર્ષ 2004થી 2020 દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના નર્મદાના પૂરના 3 મિલિયન એકર ફીટ પાણી માટે કુલ રૂ. 19703 કરોડનો ખર્ચ કરી 127 જળાશયો, 850 તળાવો, 600 ચેકડેમ ભરવામાં આવ્યા છે જેનાથી 9.57 લાખ એકર વિસ્તારને સિંચાઇની સુવિધાઓ મળી હોવાનો દાવો સિચાઇ વિભાગ કરે છે.