
UNSCમાં મસૂદ અઝહર પર ઝાટકો લાગ્યો, તો પાકિસ્તાન બનાવી રહ્યું છે પુલવામાનું બહાનું: ભારતીય વિદેશ મંત્રાલય
નવી દિલ્હી: યુએન દ્વારા જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરાયા બાદ પાકિસ્તાન દ્વારા આખા મામલાને નવો રંગ આપવાની કોશિશ થઈ રહી છે. પાકિસ્તાને પોતાની કૂટનૈતિક નિષ્ફળતાનો બચાવ કરતા જણાવ્યું છે કે પ્રસ્તાવમાં પુલવામા સહીત અન્ય હુમલાનો ઉલ્લેખ નહીં હોવાને કારણે મસૂદ અઝહર વિરુદ્ધ આ નિર્ણય પર સામાન્ય સંમતિ બની શકી. જો કે ભારતે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનનો આ નવો પ્રોપેગેન્ડા છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને બેનકાબ કર્યું હતું. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી, તો તે અપ્રાસંગિક વસ્તુઓ જણાવી રહ્યું છે. એ પુછવામાં આવતા કે શું કોઈ ઓફર આપવામાં આવી જેના પછી ચીને તકનીકી રોક હટાવી? આ સવાલ પર રવીશ કુમારે સ્પષ્ટતા કરી છે કે ભારતે આતંકવાદ અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા મામલામાં કોઈપણ દેશ સાથે કોઈ સમજૂતી કરી નથી.

પાકિસ્તાને પોતાની બદનામી ઓછી કરવા માટે કહ્યુ છે કે તે અઝહર પર પ્રતિબંધના પ્રસ્તાવ પર ત્યારે રાજી થયું, જ્યારે પુલવામાં હુમલાની સાથે અઝહરને જોડવાની કોશિશ સહીત તમામ રાજકીય સંદર્ભોને પ્રસ્તાવમાંથી હટાવવામાં આવ્યા હતા. નોટિફિકેશનથી પુલવામા હુમલાનો ઉલ્લેખ નહીં હોવાને લઈને પુછવામાં આવેલા સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતુ કે આપણે એ સમજવાની જરૂરત છે કે આપણો ઉદેશ્ય મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ઘોષિત કરવાનો હતો અને આ પ્રક્રિયા 2009માં શરૂ થઈ હતી. 2016 અને 2017માં પણ કોશિશ થઈ હતી. હકીકતમાં આ નિર્ણય કોઈ એક ઘટના પર આધારીત નથી, પરંતુ પુરાવાને આધારે લેવાયો છે. આ પુરવા ભારતે 1267 પ્રતિબંધ સમિતિના સદસ્યોને ઉપલબ્ધ કરાવ્યા છે.
તેમણે કહ્યુ છે કે નોટિફિકેશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદની આતંકી ગતિવિધિઓ માટે ફંડ એકઠું કરવા, મદદ કરવા, તૈયારી કરવા અથવા હુમલાને અંજામ આપવા અથવા હથિયારોની આપૂર્તિ, વેચવા અથવા ટ્રાન્સફર કરવા કે પછી તેના માટે ભરતી કરવા અથવા પછી કોઈ અન્ય પ્રકારની મદદ માટે વૈશ્વિક આતંકી ઘોષિત કરવામાં આવ્યો છે. વ્યાપક સ્તરે આમા કોઈપણ પ્રકારની આતંકી ગતિવિધિઓ સામેલ છે.
જો કે પાકિસ્તાન અલગ પ્રકારનું વર્ણન ઉભું કરવાની કોશિશ કરી રહ્યું છે. રવિશ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાનના દ્રષ્ટિકોણથી વિચારીએ તો તેને મોટો કૂટનૈતિક આંચકો લાગ્યો છે. તેવામાં હવે તેની પાસે કોઈ વિકલ્પ બાકી બચ્યો નથી. પાકિસ્તાન આ નિર્ણયનું ન તો સ્વાગત કરી શકે છે અને ન તો તેની ટીકા કરી શકે છે. બંને વિકલ્પોમાં દેશમાં તેની આલોચના થશે. તેવામાં તે કોઈ એવી વસ્તુ જણાવશે, જે હકીકતમાં પ્રાસંગિક નથી. તેમણે કહ્યુ છે કે આપણે વિચારવું જોઈએ કે નોટિફિકેશન આતંકીનો કોઈ બાયોડેટા નથી, જેમાં તેના દ્વારા કરવામાં આવેલી તમામ આતંકી ઘટનાનો ઉલ્લેખ હશે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે આ નિર્ણયના ઘણાં પાસા છે. નિર્ણય પર ભારતની પ્રતિક્રિયાનો પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યુ છે કે અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 પ્રતિબંધ સમિતિના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ ભારતની સ્થિતિને અનુકૂળ હતું અને જે જાણકારી ભારતે મસૂદ અઝહર અને જૈશ-એ-મોહમ્મદ સંદર્ભે પ્રતિબંધ સમિતિના તમામ સદસ્યોને આપી હતી, નિર્ણય તેને અનુરૂપ છે.
તેમણે આગળ કહ્યુ છે કે આ નિર્ણય યોગ્ય દિશામાં એક પગલું છે, જે આતંકવાદ અને તેના ટેકેદારો વિરુદ્ધ લડવાની આંતરરાષ્ટ્રીય સમુદાયની સંકલ્પબદ્ધતા પ્રદર્શિત કરે છે. તેમણે આગળ કહ્યુ છે કે ભારત આંતરરાષ્ટ્રીય મંચોના માધ્યમથી આવા પ્રયાસોને ચાલુ રાખશે. જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે જે આતંકવાદી સંગઠન અને તેમના આકા આપણા નાગરિકોને નુકસાન પહોંચાડે છે, તેમની વિરુદ્ધ એક્શન લઈ શકાય.
મહત્વપૂર્ણ છે કે પોતાની તકનીકી રોકને હટાવનારા ચીને કહ્યું છે કે સંશોધિત સામગ્રીઓનો અભ્યાસ કર્યા બાદ અઝહરને બ્લેકલિસ્ટમાં નાખવા પ્રસ્તાવ સંદર્ભે કોઈ વાંધો નહીં મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીને કહ્યું છે કે સંશોધિત સામગ્રીઓનો સાવધાનીપૂર્વક અભ્યાસ કર્યા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના પ્રસ્તાવ પર કોઈ વાંધો દેખાયો નહીં.
આના સંદર્ભેના સવાલના જવાબમાં રવીશ કુમારે કહ્યુ છે કે પ્રતિબંધ સમિતિ પ્રમાણે પાકિસ્તાન અને અન્ય દેશોએ ત્રણ કામ કરવા પડશે. મસૂદ અને તેની સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની મિલ્કતોને ફ્રીઝ કરવી પડશે, પ્રવાસ પર રોક લાગશે અને હથિયારો પર પણ પ્રતિબંધ હશે. અમે અને આખો આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન પાસેથી ઈચ્છશે કે તે આંતરરાષ્ટ્રીય દાયિત્વોને પૂર્ણ કરે.
ચીને કહ્યું છે કે તેણે સંશોધિત પ્રસ્તાવોને જોતા નિર્ણય કર્યો છે. રવીશ કુમારે કહ્યુ છે કે અમે પ્રતિબંધ સમિતિના તમામ સદસ્યોને પુરાવા આપ્યા છે. વુહાન સ્પિરિટને અમે આગળ વધારીશું. તેમણે પુનરોચ્ચાર કર્યો છે કે ચીનનું આ પગલું સ્વાગત યોગ્ય છે.