
રાજકોટ મ્યુનિ. કચેરીમાં વિપક્ષની ઓફિસ છીનવાઈ જતાં કોંગ્રેસે બગીચામાં બેસી ફરિયાદો સાંભળી
રાજકોટ : શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસ વિપક્ષ પાસેથી ઓછી સભ્ય સંખ્યા હોવાને લીધે કાર સહિત વિપક્ષપદ છીનવી લેવામાં આવ્યું છે. એટલે વિપક્ષ કોંગ્રેસના નેતાએ મ્યુનિ.કચેરીમાં મળેલી ઓફિસ અને કાર પરત આપી દીધી છે. હવે કોંગ્રેસ પાસે વિપક્ષનું કાર્યાલય ન હોવાથી અરજદારોની ફરિયાદો સાંભળવાની કોઈ જગ્યા ન હોવાથી આખરે મ્યુનિ.કચેરીના ગાર્ડનમાં ખૂલ્લામાં ઝાડના છાંયે બેસીને અરજદારોની ફરિયાદો સાંભળવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષના માત્ર 2 કોર્પોરેટર હોવાથી કચેરીમાં સ્થિત વિપક્ષ કાર્યાલય શાસકપક્ષ દ્વારા પરત લેવામાં આવ્યું છે. અને સાથે જ વિપક્ષ નેતાની કાર પણ છીનવી લેવામાં આવી છે. જેને લઈ ગઈકાલે કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતેના ગાર્ડનમાં કાર્યાલય શરૂ કરવાની ચીમકી અપાઈ હતી. જે અંતર્ગત આજે સવારે વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણી સામાન્ય નાગરિકની માફક રિક્ષામાં બેસીને આવ્યા હતા. અને બગીચામાં કાર્યાલય ખોલી લોકોની ફરિયાદ સાંભળી હતી.
આ તકે વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ.માં ભાજપના ભ્રષ્ટાચારને ઊજાગર કરી રહ્યા હતા એટલે અમારી પાસેથી કાર્યાલય અને કારની સુવિધાઓ છીનવી લેવામાં આવી છે. અમે કાર્યાલયનાં બદલે કચેરીમાં બેસવા માટેની જગ્યા માંગી હતી. પરંતુ તે પણ આપવામાં નહીં આવતા અહીં બગીચામાં બેસીને લોકોની ફરિયાદ સાંભળીએ છીએ. હું લોકોની ચૂંટાયેલી પ્રતિનિધિ છું. ત્યારે લોકો સરળતાથી મારો સંપર્ક કરી શકે તે અત્યંત જરૂરી હોવાથી બગીચામાં લોકોની વચ્ચે બેસીને તેના પ્રશ્નો સાંભળી રહી છું. જોકે અહીં પણ બેસવા માટે મને મંજૂરી લેવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ લોકોની સેવા કરવા માટે મારે કોઈ મંજૂરીની જરૂર નથી. અને હું કાર્યાલય કે કાર વિના પણ લોકોની સેવા કરતી રહીશ.
કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું કે, અમે જનતાની સેવા કરવા માટે કાર્યાલય તેમજ વાહનની ચાવી પરત આપ્યા બાદ આજે ખુલ્લી જગ્યામાં આ બગીચામાં બેઠા છીએ. બગીચામાં બેઠા-બેઠા પણ લોકોના પ્રશ્નો સોલ્વ થશે. અને ત્રિકોણબાગ ચોકમાં કે ફૂટપાથ પર બેસીને પણ લોકોના પ્રશ્નો સાંભળીશું. અમને કોઈ ઓફીસ કે વાહનની જરાપણ જરૂર નથી. બગીચામાં ખૂલેલી કોંગ્રેસની આ ઓફિસને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનાં માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.