
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોના રોડ-રસ્તાઓ સહિત વિકાસના કામોમાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની ફરિયાદો ઊઠી છે. જેમાં શહેરમાં સમાવિષ્ટ કરાયેલા વિસ્તારોની હાલતમાં કોઈ જ સુધારો થયો નથી. ત્યારે શહેરની ભાગોળે આવેલા રણુજા મંદિર ભુવનેશ્વરી સોસાયટી વિસ્તારોમાં ઉબડ-ખાબડ રોડને નવો બનાવવા અથવા તો રિસરફેસ કરવા માટે સ્થાનિક લોકો દ્વારા અનેક રજુઆતો કરવા છતાંયે ઉકેલ ન આવતા આખરે આ વિસ્તારની મહિલાઓએ રસ્તારોકો આંદોલન કરતા થોડીવાર માટે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં રણુજા મંદિરની પાસે આવેલી ભુવનેશ્વરી સોસાયટીની મહિલાઓ દ્વારા રોડ-રસ્તાની સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ખરાબ રોડ-રસ્તાને લઈ સ્થાનિક મહિલાઓ દ્વારા થોડીવાર માટે રસ્તા રોકવામાં આવતા ટ્રાફિકજામ થયો હતો. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ ખરાબ રોડ-રસ્તાની કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. તો તાત્કાલિક આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. આ મામલે આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે રામનગરમાં રણુજા મંદિરની સામે આવેલી ભુવનેશ્વરી સોસાયટીમાં રહીએ છીએ. અમારી સોસાયટીમાં ઘણા લાંબા સમયથી રસ્તાની સમસ્યા છે, પણ મ્યુનિ. દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. અમે જ્યારે પણ કોર્પોરેટરને રજૂઆતો કરીએ ત્યારે મિટિંગો બોલાવે છે અને ત્યારબાદ તારીખ આપવામાં આવે છે.
મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં પણ અમારા વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 15 માર્ચ સુધીમાં રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યુ છે. અમે સમયસર બધા વેરા ભરતા હોવા છતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સુવિધા આપવામાં આવતી નથી. ત્યારે આ અંગે તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી અમારી માગણી છે.