
જૂનાગઢ :પ્રવાસન વિભાગ દ્વારા હેરિટેજ ઈમારતોને તેના મૂળ સ્વરૂપે લાવવા અને તેના જતન માટે તેના રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ ની ઐતિહાસિક ધરોહર સમાન ઉપરકોટ કિલ્લો અને મહાબત મકબરાના રીનોવેશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે.
ઐતિહાસિક શહેર ગણાતા જુનાગઢમાં અનેક બેનમુન શિલ્પ સ્થાપત્યો ઈતિહાસની ગવાહ પુરી રહ્યા છે. જેમાં મહાબત મકબરા જૂનાગઢ શહેરના તાજ સમાન છે. જે એક સુંદર શિલ્પકલાનો નમુનો જૂનાગઢમાં જોવા મળે છે. તાજ સમાન મકબરાની રિનોવેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે રીનોવેશન કામગીરી હજુ ત્રણથી ચાર મહિના ચાલશે.
ત્યારબાદ નવા રૂપરંગમાં ઐતિહાસિક ઈમારતો લોકોને જોવા માટે ખુલ્લો મુકાશે. ઐતિહાસિક ઈમારતોની રીનોવેશન કામગીરી પૂર્ણ થયા બાદ એક નવા રૂપરંગ સાથે ઐતિહાસિક ઈમારતોને સુંદરતા મળશે અને પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથે જ જૂનાગઢના પ્રવાસનને પણ વેગ મળશે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે આવા સ્થળોનું રીનોવેશન શરૂ કરવામાં આવ્યું છે.
ખાસ કરીને જૂનાગઢનાં ઉપરકોટ, મકબરા માટે સરકારે ગ્રાન્ટ ફાળવી છે. આ ગ્રાંટમાંથી કામ શરૂ થયું છે. હાલ જૂનાગઢ મહાબત મકબરાનું નવિનીકરણનું કામ શરૂ થયું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ કોર્ટ સામે આવેલા મહાબત મકબરા જર્જરીત બન્યાં છે. તેમની બારીઓ, દરવાજા તેમજ કેટલોક ભાગ પણ તૂટી ગયો છે. ઇ.સ. 1872માં નવાબ મહોબતખાન બીજા (1851- 82) ની કબર પર આ મકબરો બનાવાયો છે. જેનું સ્થાપત્ય 19મી સદીનાં ઉત્તરાર્ધનું, ઇસ્લામી, હિન્દુ અને યુરોપીયન સ્થાપત્યની મિશ્ર અસરો ધરાવતી જૂનાગઢી રાજઘરાનાં શૈલીનું છે. ભોંઇતળિયાથી ભારવટા સુધીની ફ્રેન્ચબારી અને દરવાજા, બારી પરની ગૌથિક કમાનો નોંધ પાત્ર યુરોપિયન અસર દર્શાવે છે.