
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાનારી ચૂંટણી માટે રાજકિય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની કવાયત પુરી કરી દીધી છે. સાથે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ટિકિટ વાંચ્છુઓને ટિકિટ ન મળવાથી ઘણા ટિકિટ વાંચ્છુઓ પક્ષપલટો કરી રહ્યા છે. એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલે ગોંડલથી ટિકિટ માંગી હતી, પરંતુ કોંગ્રેસ સાથે એનસીપીનું ગઠબંધન થતાં રેશ્માને ટિકિટ ન મળતા રેશ્મા પટેલે એનસીપીને રામ રામ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હવે રેશ્મા પટેલે પાટીદાર આંદોલન સમયના સાથી એવા ભાજપના હાર્દિક પટેલ સામે વિરમગામથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ટૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે આવતી કાલે તા. 17મી નવેમ્બર બીજા તબક્કાનું ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દરમિયાન NCPમાંથી રેશમા પટેલે રાજીનામું આપ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને પક્ષના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો. રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ વિરમગામ ઉમેદવારને બદલી અને હવે રેશમા પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું ‘પાટીદાર આંદોલનનો મહત્વનો ચહેરો AAPમાં જોડાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વિરમગામની વિધાનસભાની બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે. હાર્દિક પટેલેને ટિકિટ અપાતા ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓમાં પણ નારાજગી છે. ઉપરાંત પાટિદાર મતોમાં વિભાજન માટે આમ આદમી પાર્ટી રેશ્મા પટેલને ટિકિટ આપે તેવી પુરી શક્યતા છે.