
બાબર આઝમ અને નસીમ શાહ પછી હવે પાકિસ્તાનના ODI કેપ્ટન મોહમ્મદ રિઝવાને પણ ફૈસલાબાદમાં ચાલી રહેલી નેશનલ T20 ચેમ્પિયનશિપ ન રમવાનો નિર્ણય લીધો છે. જોકે, રિઝવાન પેશાવરમાં ક્લબ ક્રિકેટ મેચ રમતા જોવા મળ્યો હતો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. રિઝવાનની ક્લબ ક્રિકેટ મેચ રમતા ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, રિઝવાને 27 માર્ચ સુધી ચાલનારા નેશનલ T20 કપમાં ભાગ લેવાને બદલે ક્લબ ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ રિઝવાનનો આ નિર્ણય આવ્યો છે. જ્યાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એક પણ મેચ જીતી શક્યા નહીં અને ગ્રુપ Aમાં ફક્ત એક પોઈન્ટ સાથે સૌથી નીચે રહ્યા હતા. ટુર્નામેન્ટ પછી રિઝવાન ઉમરાહ માટે પ્રવાસે ગયો અને પોતાના વતન પરત ફર્યા પછી, તેણે 18 ટીમોના રાષ્ટ્રીય T20 કપમાં ભાગ લેવાને બદલે ક્લબ ક્રિકેટ રમવાનું પસંદ કર્યું હતું.
રિપોર્ટ અનુસાર, તાજેતરમાં મક્કાથી ઉમરાહ કરીને પરત ફરેલો રિઝવાન ત્રણ મેચની વનડે શ્રેણી માટે ન્યુઝીલેન્ડ જતા પહેલા આરામ કરવા માંગે છે. રિઝવાન, બાબર અને નસીમને ન્યુઝીલેન્ડમાં પાંચ મેચની ટી20 શ્રેણી માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબર પણ આ સમયે ઉમરાહ માટે મક્કામાં છે.
ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની T20 શ્રેણી માટે રિઝવાન અને બાબર આઝમની અવગણના કરવામાં આવી હતી. પાકિસ્તાન માટે શ્રેણીની શરૂઆત ખરાબ રહી કારણ કે તેમને પહેલી મેચમાં નવ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. PCB એ આ ટુર્નામેન્ટમાં સલમાન અલી આગાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. પરંતુ તેમનો કેપ્ટન તરીકેનો પદાર્પણ પણ નિરાશાજનક રહ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા, પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ધરાશાયી થયો હતો અને ટીમ ફક્ત 91 રન જ બનાવી શકી હતી. એક રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ તેમનો દાવ ધરાશાયી થયો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે સામાન્ય લક્ષ્યનો પીછો કરીને 59 બોલ બાકી રહેતા નવ વિકેટે જીત મેળવી લીધી, જ્યારે પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનને આ ફોર્મેટમાં સૌથી ખરાબ હારનો સામનો કરવો પડ્યો.