1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં 50 EV બસ, સુરેન્દ્રનગર અને ભૂજમાં 54 CNG બસો માટે રૂપિયા 121 કરોડ ફાળવાયા
રાજકોટમાં 50 EV બસ, સુરેન્દ્રનગર અને ભૂજમાં 54 CNG બસો માટે રૂપિયા 121 કરોડ ફાળવાયા

રાજકોટમાં 50 EV બસ, સુરેન્દ્રનગર અને ભૂજમાં 54 CNG બસો માટે રૂપિયા 121 કરોડ ફાળવાયા

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના એક મહાનગર અને બે નગરોમાં જાહેર પરિવહન સુવિધા વધુ સુદ્રઢ કરવાના અભિગમથી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે કુલ 121 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સંદર્ભમાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાને 50 ઇલેક્ટ્રીક બસના કોન્ટ્રાક્ટ બેઇઝડ સંચાલન માટે 10 વર્ષ માટે રૂ.91 કરોડ 25 લાખ ફાળવવાની સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને 32 CNG સિટી બસના કોન્ટ્રાક્ટ બેઇઝ્ડ સંચાલન માટે 7 વર્ષ માટે કુલ 20 કરોડ 44 લાખની રકમ અનુદાન પેટે ફાળવવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એટલું જ નહિ, કચ્છની ભૂજ નગરપાલિકાને પણ 22 સિટી બસ સેવાના સંચાલન માટે પાંચ વર્ષ માટે રૂ. 9 કરોડ 03 લાખ 37 હજારના અનુદાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને વાહનોની સંખ્યાને કારણે ટ્રાફિક સમસ્યા, પાર્કિંગની સમસ્યા તેમજ દિન-પ્રતિદિન વાયુ પ્રદુષણ પણ વધતું જાય છે. રોડ અકસ્માતો અને અસલામત પરિવહનની પણ સમસ્યા વિકટ બની છે. રાજ્ય સરકારે આ બધી જ બાબતોના સુચારૂ નિવારણ રૂપે અને શહેરી જનસંખ્યાને સરળ, સલામત અને સસ્તી જાહેર પરિવહન સેવા સુવિધા પૂરી પાડવા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યમાં શરૂ કરેલી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા રાજ્યની 8 મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકા વિસ્તારમાં સામાન્ય નાગરિકોને બસ સુવિધાનો વધુને વધુ લાભ મળે તેવા ઉદાત્ત અભિગમથી શરૂ કરવામાં આવી છે.

રાજ્યમાં PPP ધોરણે શરૂ કરાયેલી આ મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા યોજના હેઠળ 500 ઇલેક્ટ્રીક અને 689 CNG બસો મળી 1189 બસોને અત્યાર સુધીમાં રાજ્ય સરકારે મંજૂરી આપી છે. તદઅનુસાર, અમદાવાદ-625 વડોદરા-50, સુરત-400, જુનાગઢ-25 અને જામનગર-10 એમ 1110 બસ માટેની મંજૂરી તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓ પૈકી 8 નગરપાલિકાઓમાં 79 બસ માટેની મંજૂરીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન GUDM મારફતે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા અને ભૂજ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે સંબંધિત મહાનગર-નગરમાં બસ સેવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે આ ત્રણેય દરખાસ્તોને સૈદ્ધાંતિક મંજૂરી આપતા આ સ્થળોએ PPP ધોરણે બસોના કોન્ટ્રાક્ટ બેઇઝ સંચાલન માટેનો માર્ગ સરળ બન્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code