
અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તિરંગા રંગે રંગાયું, પ્રવાસીઓ માટે એડવાઈઝરી
અમદાવાદઃ શહેરમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિનને દેશભક્તિનો માહેલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના સરદાર પટેલ એરપોર્ટ પણ તિરંગા રંગે રંગાયું છે. એરપોર્ટ પર કેસરી, સફેદ અને લીલા રંગની રોશની કરવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રીય પર્વ હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સિક્યુરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેમાં પ્રવાસીઓને એરપોર્ટ પર નિયત સમય કરતા વહેલા પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
26મી જાન્યુઆરીના રોજ ભારત દેશ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે દેશભરમાં દેશભક્તિનો માહોલ જામ્યો છે. દરેક સરકારી ઈમારતો તિરંગાના રંગમાં રંગાઈ છે, ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને પણ કેસરી, સફેદ અને લીલા રંગની લાઈટથી શણગારવામાં આવ્યું છે. સમગ્ર એરપોર્ટ પરિસર તિરંગાના રંગમાં રંગાઇ ગયુ છે. ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એરપોર્ટ પર હાઈ સિક્યુરિટી રહેશે. રાષ્ટ્રીય તહેવારના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી અને સરકાર દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે મુસાફરોને પૂરતી સગવડ મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ મુસાફરોને તેમની ફ્લાઇટના સમય કરતા થોડા કલાક વહેલા આવવા માટે જણાવવામાં આવ્યું છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે, કારણ કે ગણતંત્ર દિવસની તૈયારીઓના ભાગરૂપે હાલમાં એરપોર્ટ પર સઘન સિક્યુરિટી ચેકિંગ થઇ રહ્યું છે. તેથી દરેક મુસાફરે ફરજિયાતપણે તેમાં સહભાગી બનવું પડશે. જેથી થોડો વધુ સમય મળે તો મુસાફરોને સરળતાથી ચેક ઇન કરાવી શકાય છે.