1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. સ્કોપ-3: આર્દ્રા (ઓરાયન) તારામંડળ ન જોયું હોય તો વહેલી તકે જોઈ લેશો
સ્કોપ-3: આર્દ્રા (ઓરાયન) તારામંડળ ન જોયું હોય તો વહેલી તકે જોઈ લેશો

સ્કોપ-3: આર્દ્રા (ઓરાયન) તારામંડળ ન જોયું હોય તો વહેલી તકે જોઈ લેશો

0
Social Share

રાત પડે એટલે રાત પડે એટલે આકાશમાં દક્ષિણ પૂર્વ દિશામાં આ તારામંડળ દેખાય છે. તેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આર્દ્રા નામનો લાલ ચટક તારો અચૂક જોઈ લેજો કારણ કે તે ગમે ત્યારે ફૂટવાનો છે. એ આવતીકાલ પણ હોઈ શકે અને હજારો વર્ષ પછી પણ હોઈ શકે.

ભારતીય ખગોળ પરંપરામાં આકાશ માત્ર તારાઓનું ભૌતિક વિતરણ નથી, પરંતુ સમય, ઋતુ, જીવન અને ચેતનાનું જીવંત પ્રતિબિંબ છે. આપણા ઋષિમુનિઓ માટે આકાશ જોવું એટલે માપ– અને ગણતરી કરવી નહીં, પરંતુ અનુભવ કરવો. આકાશ એ પુસ્તક હતું જેમાંથી જીવનના નિયમો વાંચવામાં આવતા. નક્ષત્રો માત્ર પ્રકાશના બિંદુઓ નહોતા; તેઓ કાળના સંકેત, ઋતુ પરિવર્તનના સૂચક અને માનવ જીવન સાથે જોડાયેલા પ્રતીકો હતા.

આ પણ વાંચોઃ સ્કોપ-2: રણને વનમાં ફેરવનાર રાજાના સંકલ્પ, વિજ્ઞાન અને સંઘર્ષની વાર્તા

આ પરંપરામાં ઓરાયન તારામંડળ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભારતીય દ્રષ્ટિએ તે “કાલપુરુષ” સાથે જોડાયેલું છે અને તેનું યોગતારા આર્દ્રા છે. ‘આર્દ્રા’ શબ્દનો અર્થ ‘નમ’, ‘ભીનું’ અથવા ‘આર્દ્ર’ થાય છે. જે વરસાદ, કરુણા અને શુદ્ધિકરણનો ભાવ વ્યક્ત કરે છે. આ કારણસર આર્દ્રા નક્ષત્રને ચોમાસાની શરૂઆત અને ઋતુ પરિવર્તન સાથે જોડવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં વરસાદ માત્ર કુદરતી ઘટના નથી, પરંતુ જીવનદાયી શક્તિ છે. આર્દ્રા એ શક્તિનું આકાશીય પ્રતીક છે.

constellation Orion
constellation Orion

વૈદિક જ્યોતિષ અનુસાર આર્દ્રા ૨૭ નક્ષત્રોમાં છઠ્ઠું નક્ષત્ર છે અને તે મિથુન રાશિમાં આવે છે. તેનો અધિષ્ઠાતા દેવ ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ રુદ્ર છે. રુદ્ર વિનાશના નહીં, પરંતુ પરિવર્તન અને જાગૃતિના દેવ છે. તેઓ અસત્યનો નાશ કરીને સત્ય તરફ દોરી જાય છે. આ કારણે આર્દ્રા નક્ષત્ર જીવનમાં અચાનક ફેરફાર, આંતરિક ઉથલપાથલ અને અંતે આત્મિક વિકાસ સાથે જોડાયેલું માનવામાં આવે છે.

આર્દ્રા નક્ષત્રનો સ્વામી ગ્રહ રાહુ માનવામાં આવે છે. રાહુ જિજ્ઞાસા, રહસ્ય, નવી વિચારધારા અને પરંપરાગત સીમાઓને તોડવાની વૃત્તિનું પ્રતીક છે. તેથી આ નક્ષત્રમાં જન્મેલા લોકોમાં તીવ્ર બુદ્ધિ, પ્રશ્ન પૂછવાની તીવ્ર ઇચ્છા, સંશોધનપ્રવૃત્તિ અને સત્યની શોધ જોવા મળે છે. સાથે સાથે માનસિક અસ્થિરતા અને આંતરિક સંઘર્ષ પણ જીવનનો ભાગ બને છે, જે અંતે પરિપક્વતામાં ફેરવાય છે.

constellation Orion
constellation Orion

આર્દ્રા નક્ષત્રનું પ્રતીક ચિહ્ન આંસુનું ટીપુ અથવા હીરો છે. આંસુ દુઃખ, કરુણા અને શુદ્ધિકરણનું સૂચક છે, જ્યારે હીરો લાંબા દબાણ અને સંઘર્ષ પછી પ્રાપ્ત થતી સ્પષ્ટતા અને મૂલ્યનું પ્રતીક છે. આ પ્રતીકો ભારતીય દાર્શનિક વિચારને સુંદર રીતે વ્યક્ત કરે છે. સંઘર્ષ વિના વિકાસ શક્ય નથી.

આ પણ વાંચોઃ સ્કોપઃ વોયજર યાનને સૌરમંડળની સીમાએ 50,000 કેલ્વિનની “અદૃશ્ય દિવાલ” મળી

વૈદિક સાહિત્યમાં આકાશને અગ્નિસ્વરૂપ માનવામાં આવ્યું છે. ઋગ્વેદમાં કહેવામાં આવે છે: “અગ્નિર્દિવા દિવિ આહુતઃ”  અર્થાત્, અગ્નિ આકાશમાં પ્રગટ છે.

આ શ્લોક તારાઓને અગ્નિના સ્વરૂપ તરીકે જુએ છે. આર્દ્રા નક્ષત્રનો લાલચટક રંગ, તેની તેજસ્વિતા અને અસ્થિરતા વૈદિક અગ્નિ કલ્પનાને જીવંત બનાવે છે.

ઉપનિષદોમાં બ્રહ્માંડને સર્જન, સ્થિતિ અને લયના અવિરત ચક્ર તરીકે વર્ણવવામાં આવ્યું છેઃ “યતો વા ઇમાનિ ભૂતાની જાયન્તે…” અર્થાત જેમાંથી બધું જન્મે છે અને જેમાં અંતે વિલીન થાય છે.

આ વિચાર ભારતીય ખગોળ પરંપરાનો મૂળ આધાર છે. આકાશમાં જે કંઈ જન્મે છે, તે નાશ પામે છે, પણ નાશ અંત નથી, નવી શરૂઆત છે.

શિવના નટરાજ સ્વરૂપમાં પણ આ જ વિચાર પ્રગટ થાય છે. નટરાજનું તાંડવ વિનાશક પણ છે અને સર્જનાત્મક પણ. આકાશમાં આર્દ્રા નક્ષત્ર એ જ તાંડવનું પ્રતીક છે કે જ્યાં પરિવર્તનથી જ નવી સંભાવના જન્મે છે. વળી મહાશિવરાત્રીના સમયગાળામાં આ તારા મંડળ આકાશમાં સૌથી વધુ દેખાય છે. જાણે શિવજીનું સાક્ષાત સ્વરૂપ.

ભારતીય લોકસંસ્કૃતિમાં પણ ઓરાયન તારામંડળને વિવિધ રૂપોમાં જોવામાં આવ્યું છે. ક્યાંક તેને ડોશીમાનો ખાટલો, ક્યાંક માંચડો, તો ક્યાંક શિવજીનું તાંડવ માનવામાં આવ્યું. ચાર મુખ્ય તારા ખાટલાના ચાર પાયા બની જાય છે અને વચ્ચેના ત્રણ તારા ડમરુ જેવા લાગે છે. આ લોકકલ્પનાઓ દર્શાવે છે કે આકાશ માનવ જીવનથી ક્યારેય અલગ નહોતું.

આ રીતે ભારતીય ખગોળ પરંપરામાં આર્દ્રા નક્ષત્ર માત્ર આકાશીય પિંડ નથી, પરંતુ સમય, ઋતુ, જીવન અને ચેતનાનો સંવાદ છે. આ પરંપરા આપણને શીખવે છે કે આકાશ જોવું એટલે જીવનને સમજવું.

લેખનઃ ધનંજય રાવલ
લેખનઃ ધનંજય રાવલ
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code