સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથા અંગે ચિંતા વ્યક્ત કરી, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં અપ્રભાવી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશમાં દહેજના વધી રહેલા કેસો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી છે કે, દહેજ પ્રતિબંધક કાયદાઓ હાલમાં ‘અપ્રભાવી અને દુરુપયોગ બંનેથી ગ્રસ્ત’ છે અને દહેજની સામાજિક બદી હજુ પણ વ્યાપકપણે પ્રચલિત છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે દહેજના કેસોનો સામનો કરવા માટે સામુહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બેન્ચે હાઈકોર્ટ્સને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ હેઠળના તમામ પેન્ડિંગ કેસોની સંખ્યા (સૌથી જૂનાથી નવા સુધી) જાણીને, તેનો ઝડપી નિકાલ કરવા માટે જરૂરી નિર્દેશો આપ્યા છે.
સુપ્રીમ કોર્ટ જે કેસની સુનાવણી કરી રહી હતી તેમાં દહેજ માટે 24 વર્ષ પહેલા 20 વર્ષની એક યુવતી નસરીનને તેના પતિ અને સાસુએ કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી. કોર્ટે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “માત્ર 20 વર્ષની યુવતીને ઘાતકી અને પીડાદાયક મૃત્યુ દ્વારા દુનિયામાંથી વિદાય આપી દેવાઈ. માત્ર એટલા માટે કે તેના માતા-પિતા લગ્નમાં તેના સાસરિયાઓની માંગણીઓ પૂરી ન કરી શક્યા. શું તેનું મૂલ્ય ફક્ત એક કલર ટીવી, એક મોટરસાયકલ અને રૂ. 15 હજાર રોકડ જેટલુ જ હતું, જે તેનો પરિવાર આપી ન શક્યો?”
કોર્ટે આ ચુકાદામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને તમામ સ્તરે શૈક્ષણિક અભ્યાસક્રમમાં જરૂરી ફેરફારો લાવવા પર વિચાર કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે બંધારણીય સ્થિતિને મજબૂત કરવા કહ્યું છે કે લગ્નના બંને પક્ષો એકબીજાના સમાન છે અને કોઈ કોઈના આધીન નથી. આ કેસમાં ટ્રાયલ કોર્ટે અજમલ બેગ (પતિ) અને તેની માતાને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, અલ્હાબાદ હાઈકોર્ટે 7 ઓક્ટોબર, 2003ના રોજ આરોપીઓને એ કારણ આપીને છોડી મૂક્યા હતા કે મૃતકના મામા ઘટનાના પ્રત્યક્ષદર્શી નહોતા.
ઉત્તર પ્રદેશ સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે યુપી સરકારની અપીલ સ્વીકારી અને પતિ અજમલ અને તેની માતાની દોષસિદ્ધિ પુનઃસ્થાપિત કરી. કોર્ટે અજમલને નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજા કાપવા માટે ચાર અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, 94 વર્ષીય સાસુને તેમની મોટી ઉંમરને કારણે જેલની સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અંતમાં કહ્યું કે ભલે આ કેસમાં આરોપીઓને સજા મળી હોય, પરંતુ હજુ પણ એવા અનેક ઉદાહરણો છે જ્યાં આવું થતું નથી, જે ચિંતાજનક છે.


