
ગાંધીનગરઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં દહેગામ-નરોડા હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે આવેલી કારે એક્ટિવાને અડફેટમાં લેતા એક્ટિવાસવાર દંપતી રોડ પર પકકાયા હતા. જેમાં શિક્ષિકા પત્નીનું મોત નિપજ્યું હતુ. જ્યારે તેના પતિને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે.કે, દહેગામ નરોડા હાઇવે પર સવારે કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર શિક્ષિકાનું ઉછળીને રોડ પર પટકાતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેના પતિને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે સ્થળ પર પહોંચીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દહેગામ ખાતે વેદ ફ્લેટમાં રહેતા ખુશ્બુબેન ચિંતનભાઈ સુખડીયા ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે ખુશ્બુબેનને સ્કૂલે મૂકવા માટે તેમના પતિ ચિંતનભાઈ એક્ટિવા લઇને ઘરેથી નિકળ્યા હતા. એ વખતે ખુશ્બુબેન એક્ટિવાની પાછળ બેઠા હતા. ત્યારે દહેગામ નરોડા હાઇવે પર પૂજા હેવન નજીક અમદાવાદ તરફથી પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત થતાં જ એક્ટિવા પાછળ બેઠેલા ખુશ્બુબેન ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જેમનું માથાના અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચિંતનભાઈને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારી વાહનચાલકો એકઠા થઈ હતા. જ્યારે ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર ઈજાગ્રસ્ત ચિંતનભાઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે પણ સ્થળ પર પહોંચીને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.