
ગાંધીનગરઃ ભારતમાલા પ્રોજેક્ટનો થરાદથી લઈને ગાંધીનગરના ખેડુતો જમીન સંપાદનના મામલે વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોના વિરોધ વચ્ચે ભારતમાલા પ્રોજેક્ટની અમલવારી મુદ્દે કામગીરી કરાઈ રહી છે ત્યારે ખેડૂતો દ્વારા આરટીઇ મુજબ માહિતી માગવામાં આવી હતી. જેમાં ભારતમાલા પ્રોજેક્ટમાં કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું કહેવામાં આવ્યુ હતુ. જ્યારે બીજીબાજુ ભારતમાલા પ્રોજેક્ટને લઇને ટેન્ડરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આથી ખેડુતોને અંધારામાં રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ખેડુતોએ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા થરાદથી અમદાવાદ સુધી નેશનલ હાઇવે બનાવવા માટે ભારતમાલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સિક્સલેન હાઇવે બનાવવા માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ સહિતના જિલ્લાના ખેડુતોની કિંમતી અને વર્ષમાં ત્રણ ત્રણ વખત પાક લેતી પિયતવાળી જમીન સંપાદન કરવામાં આવી રહી છે. આથી ખેડુતોની રોજી-રોટી છીનવાઇ જવાથી ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડુતોમાં વિરોધનો જુવાળ ઉઠવા પામ્યો છે. ઉપરાંત ભારતમાલા પ્રોજેક્ટ માટે જીવ આપી દઇશું પરતું જમીન નહી આપીએ તેવો સૂર ખેડુતોમાં ઉઠ્યો છે. તેમ છતાં હાઇવે ઓથોરીટી દ્વારા ભારતમાલા પ્રોજેક્ટને લઇને કામગીરી કરવામાં આવી રહી છે. આથી ખેડુતો દ્વારા આરટીઇ મુજબ ભારતમાલા પ્રોજેક્ટ અંગેની માહિતી માંગવામાં આવી હતી.
સૂત્રોના કહેવા મુજબ ખેડુતો દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી પાસેથી આરટીઇ મુજબ માંગેલી માહિતીમાં જણાવાયું છે કે, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે સર્વે નંબર પ્રકાશિત થયા છે. તે હાલમાં પ્રાથમિક ધોરણે કરેલા છે ફાઇનલ નથી. આથી પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે હોવાની સાથે સાથે ભારતમાલા પ્રોજેક્ટને લઇને તેના પ્લાન ડીપીઆર (ડ્રાફ્ટ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) છે. ત્યારે જો પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે હોય તો પછી એનએચએ દ્વારા રોડનું કામ આપવા માટે ટેન્ડરની કામગીરી કેમ ચાલુ કરવામાં આવી છે તેવા પ્રશ્નો ખેડુતોમાં ઉઠી રહ્યા છે. આથી ભારતમાલા પ્રોજેક્ટનો ખેડુતોમાં વિરોધ ઉઠ્યો છે, (file photo)