
ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરનો મંગળવારે એટલે કે 2જી ઓગસ્ટના રોજ 57મો જન્મ દિવસ ઊજવવામાં આવ્યો હતો. 57 વર્ષમાં ગાંધીનગરની વસતી અને વિસ્તારમાં ઘણો વધારો થયો છે. હવે તો ગાંધીનગર અને અમદાવાદ ટ્વીનસિટી તરીકે ઓળખવા લાગ્યા છે. શહેરમાં વિકાસના નવા સોપાન સર કરાયા છે. ગિફ્ટસિટી, ફાઈવસ્ટાર હોટલ સાથેનું અત્યાધૂનિક રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર, નવું સ્વર્ણમ સંકુલ, સહિતના વિકાસના કાર્યોથી શહેરે એક નવી ઓળખ ઊભી કરી છે.
પાટનગર એવા ગાંધીનગરની સ્થાપનાને 57 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાત રાજ્યની અલગ રચનાના પાંચ વર્ષ પછી બીજી ઓગસ્ટ 1965ના રોજ પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ જીઇબીના ગેસ્ટહાઉસના નિર્માણ માટે મુકાઇ હતી. દર વર્ષની જેમ ગાંધીનગરનો બર્થડે મંગળવારે ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
ગાંધીનગરનો ઈતિહાસ જોઈએ તો શહેરની રચનામાં જૂદાં જૂદાં 12 ગામોની 2382 ખેડૂતોની 10,500 એકર ખેતીની જમીન તેમજ પાંચ હજાર એકર ગૌચર – ખરાબાની કિંમતી જમીન વપરાઇ છે. 1લી મે, 1970થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-29 અને સેકટર 28માં વસવાટ શરૂ થયો હતો. શરૂઆતમાં માળખાકીય સુવિધાઓના અભાવ હતો. એક સમયે સુમસામ ભાસતાં અને આંધીનગરથી ઓળખાતાં ગાંધીનગરમાં પાણીના ભાવે જમીનો સરકારે આપી હતી. તેમ છતાં કોઈ રહેવા આવતું નહોતું ત્યારે આ જ જમીનના હાલ કરોડો રૂપિયા ઉપજી રહયા છે. એક સમય હતો કે, જ્યારે આ જગ્યા સાવ સુમસામ ભાસતી હતી. ચારેય કોર ધુળની ડમરીઓ અને વેરાન જંગલો હતા. માણસ અહીં શોધ્યો નહોંતો જડતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે રાજ્યની સાથોસાથ રાજધાની ગાંધીનગરના વિકાસ માટે અનેક કામો કર્યા હતા. અને હવે જ્યારે તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેઓ પોતાની કર્મભૂમિ ગાંધીનગરના વિકાસ માટે સતત પ્રયત્નો કરતા રહે છે. એના જ ફળસ્વરૂપ છેલ્લાં એક દાયકામાં ગાંધીનગરમાં ચાર મહત્ત્વના પ્રોજેક્ટની સ્થાપાયા. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 13000 કરોડની આસપાસનો ખર્ચ કરવામાં આવ્યો. અને આ પ્રોજેક્ટ્સ થકી જ દુનિયાભરમાં ગાંધીનગરને નવી ઓળખ મળી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દાયકા પહેલાં સેક્ટરોમાં સીમીત રહેતું ગાંધીનગર હવે છેક અમદાવદ સુધી વિસ્તરી ગયું છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનમાં રાંધેજા, પેથાપુરથી લઇને ભાટ તથા ખોરજ -ઝુંડાલ સુધીના ગામો સમાવાયા છે. આમ, નગર જેમ જેમ ઉંમરથી મોટું થઇ રહ્યું છે તેમ તેમ વિસ્તારની દ્રષ્ટીએ પણ ગાંધીનગર મોટું થયું છે. ગાંધીનગર રાજયના કેપિટલ સિટી, ગ્રીન સિટી, ક્લીન સિટી, ટ્વીન સિટી, પોલિટિકલ સિટી તથા એજ્યુકેશન સિટી તરીકે પણ સમગ્ર દેશમાં વિખ્યાત છે. એટલું જ નહીં સુંદર માર્ગો, બગીચાઓ, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વાંચનાલયો ધરાવતા પાટનગરે ગુજરાતનાં અન્ય શહેરોની સરખામણીએ પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે. આગામી દિવસોમાં આ અંડરપાસ પણ તૈયાર થઇ ગયા બાદ વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી અખંડ સ્વર્ણીમપાર્ક હશે અને આ સેન્ટ્રલ વિસ્ટા ગાંધીનગરનું કરોડરજ્જુ બની જશે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે 2024માં મેટ્રો ટ્રેન દોડશે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તો બીજીબાજુ ગાંધીનગર અમદાવાદ આ બન્ને મહાનગરોમાંથી પસાર થતી સાબરમતી નદીના રીવરફ્રન્ટને પણ ગાંધીનગર સુધી લંબાવાની યોજના આગામી દિવસોમાં છે. જે અંતર્ગત સંત સરોવર સુધી રિવરફ્રન્ટનું કામ કરવામાં આવશે. સંત સરોવર ખાતે વિવિધ સુવિધા ઉભી કરીને તેને પર્યટનસ્થળ તરીકે પણ ડેવલપ કરવામાં આવશે.