
મોરબી દુર્ઘટનાકાંડ મુદ્દે સુઓમોટો દાખલ કરવા કોંગ્રેસના પ્રમુખે ગુજરાત હાઈકોર્ટને કરી વિનંતી
અમદાવાદઃ મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં જે એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવી છે. તે એસ.આઈ.ટી.માં ફક્ત સરકારને આધિન ઓફિસરને સામેલ કરાયા છે. જે પ્રમાણે ભૂતકાળની એસ.આઈ.ટી.નો ઈતિહાસ છે તે પ્રમાણે આ એસ.આઈ.ટી. સંપૂર્ણ રીતે તટસ્થ તપાસ કરશે કે નહી તે મોટો પ્રશ્ન છે. આથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદિશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને વિનંતી પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી અને સુપ્રિમકોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટની રચના કરવામાં આવે અને જાહેર હિતમાં સુઓમોટો કરવા માટે પણ વિનંતી કરી છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં જ્યા લાશોના ઢગલાં પડેલા હતા ત્યાં સંવેદનહીન તંત્રએ આ લાશોની વચ્ચે બે યુવા ધન જે ગંભીરરૂપથી ઘાયલ હતા અને જીવીત હતા જેમની ઉંમર 18 થી 20 ની હતી તેઓ પણ આ લાશોના ઢગલાની વચ્ચે જીવતા મળ્યા હતા. પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે, આ બાળકો જલ્દીથી સાજા થઈ જાય. શા માટે આ દુર્ઘટનાના મૃતકોનું પોષ્ટમોર્ટમ નથી થયુ અને તેમના વીસેરા રિપોર્ટ રાખવામાં આવ્યા છે કે કેમ તેનો સરકાર જવાબ આપવો જોઈએ.
આલોક શર્માજીએ સરકાર સમક્ષ માંગણી કરી હતી કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવે અને જો ફિટનેસ સર્ટીફીકેટ ઉપલબ્ધ ન હોય તો ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પ્રોજેક્ટ સત્વરે બંધ કરી દેવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ એક્ટ ઓફ ગોર્ડ નથી પરંતુ એક્ટ ઓફ ફ્રોડ છે. આવુ ભૂતકાળમાં પશ્ચિમ બંગાળની પુલ દુર્ઘટના બાદ નરેન્દ્ર મોદી બોલ્યા હતા. ઘટનાના ત્રણ દિવસ બાદ શા માટે રાજકીય શોક રાખવામાં આવ્યો ? મૃતકોની વેદનાને સમજવાની સંવેદના ભાજપ સરકારે ખોઈ દીધી છે. શા માટે અત્યાર સુધી આ ઘટના બાબતે બાળ આયોગ, મહિલા આયોગ અને હ્યુમન રાઈટસ કમિશનના હોદ્દેદારો મૌન છે ?